Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સોમવારે શેરબજારમાં એકિઝટ પોલનાં તારણોની નેગેટિવ અસર જોવા મળશે

ચૂંટણીનાં પરિણામમાં ભાજપની હાર થશે તો શેરબજારમાં મોટો કડાકો જોવા મળશે

નવી દિલ્હી તા. ૮ :.. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા અને મિઝોરમના વિધાનસભા ચૂંટણી પરિણામ આડે હવે જયારે ત્રણેક દિવસ બાકી છે. પરંતુ તેના એકિઝટ પોલના તારણો આવી ચૂકયા છે ત્યારે સોમવારે એકિઝટ પોલનો પરિણામો ચોકકસપણે શેરબજારને પ્રભાવીત કરશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારની નજર હવે દેશની રાજનીતિ પર છે. વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનાં પરાજયથી શેરબજારમાં મોટો કડાકો બોલી શકે છે, કારણ કે આ પાંચમાંથી ત્રણ રાજયમાં ભાજપ સરકાર છે ત્યાં તેનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે.

ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણેય રાજયની લોકસભાની ૬પ માંથી ૬ર બેઠકો મળી હતી અને તેથી પાંચ રાજયના ચૂંટણી પરિણામોના અપસેટની સીધી અસર શેરબજાર ઉપર પડશે તેમજ આ રાજયની વિધાનસભા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી માટે સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું હોવાથી ર૦૧૯ ની ચૂંટણીમાં મોદી સરકારના ભવિષ્ય પર પણ તેની અસર પડશે.

મોતીલાલ ઓસ્વાલ એએમસીના આશિષ સોમૈયાનું કહેવું છે કે, શેરબજારની મીટ હંમેશા દેશની રાજનીતિ પર હોય છે અને તેથી વિધાનસભા ચૂંટણીમાં એકિઝટ પોલના ભાજપ વિરોધી તારણો તેમજ ૧૧ મીએ જાહેર થનારા પરિણામોમાં ભાજપની હાર બજાર માટે નેગેટીવ સાબીત થશે.

ચૂંટણી દરમિયાન બજારમાં ચડાવ-ઉતાર જોવા મળતા હોય છે. જો એકિઝટ પોલનાં તારણોથી વિપરીત પરિણામ આવશે અને ભાજપ ત્રણ રાજયોમાં જીત મેળવશે તો બજારમાં મોટો ઉછાળો પણ  આવી શકે છે. જો ભાજપ રાજસ્થાનમાં હારી જશે, પરંતુ મધ્ય પ્રદેશમાં જીતી જશે તો પણ બજારનું વલણ પોઝીટીવ જોવા મળશે, પરંતુ મધ્ય પ્રદેશમાં જો ભાજપ હારે તો આગામી દિવસોમાં બજારમાં મોટા પાયે વેચવાલી આવી શકે છે. (પ-ર૯)

(3:59 pm IST)