Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

MP, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવા પર ધૂમ સટ્ટો

કેટલાક બુકીઓ એમ માની રહ્યા છે કે ભાજપ એમપી અને છત્તીસગઢમાં સરકાર રચશે

નવી દિલ્હી તા. ૮ : મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ અને મિઝોરમ એમ પાંચ રાજયોમાં યોજાયેલી ચૂંટણીઓમાં સટ્ટાબજારમાં ભાવો ખુલ્યા બાદ સતત વધઘટ જોવા મળી હતી.બે રાજયોમાં કોંગ્રેસ બાજી મારી જાય તેમ સટ્ટોડિયા માની રહ્યા છે. જો કે, કેટલાક બુકીઓ એમ માની રહ્યા છે કે, ભાજપ એમપી અને છત્તીસગઠમાં સરકાર રચશે.જો કે, આ વખતે પાંચ રાજયોની ચૂંટણીમાં સેશનના ભાવો જ ખુલ્યા હતા.

ગુજરાત સહિત દેશભરમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હોવાનો સટોડિયા માની રહ્યા છે. બીજી તરફ કેટલાક રાજકારણીઓ આ વખતે જયોતિષોના શરણે ગયા હતા અને પાંચ રાજયોની કુંડળીના આધારે કોની સરકાર બનશે તેનો ત્યાગ કાઢીને તેમના મળતિયાઓ મારફતે સટ્ટો ખેલ્યો હોવાનું જાણવા મળ્યુ છે. મતદાન પૂરું થતા એકઝિટ પોલમાં કોગ્રેસ પણ બાજી મારી રહી છે.મહત્વની વાત એ પણ છે કે, શેરબજારમાં છેલ્લા એક કલાકમાં ખરીદી મોટાપાયે નીકળતા શેરબજારના વર્તુળોમાં જાણવા મળ્યુ હતુ કે, ભાજપની સરકારને કોઈ નુકસાન થતું નથી.

હવે ૧૧મી ડિસેમ્બરે પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. છેક સુધી સટ્ટાબજારમાં રાજસ્થાનમાં કોગ્રેસની ૧૩૦ જેટલી સીટો અને ભાજપને ૭૦થી ૮૦ સીટો મળે તેનું સેશન ચાલતું હતું. જયારે એમપીમાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે ભાવોમાં સતત વધઘટ જોવા મળી રહી હતી. જો કે, મોટાભાગના સટોડિયાઓએ એમપી અને રાજસ્થાનમાં કોગ્રેસની સરકાર બનશે તેના ઉપર સટ્ટો રમયા હતા.

સટ્ટાબજારમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે એમપીમાં ભાજપની ૧૧૫-૧૧૭ સીટો અને કોંગ્રેસની ૯૫-૧૦૦ સીટો ખુલ્લી હતી.જે પછી ભાજપની સીટોનું સેશન ૧૨૫-૧૩૦ થઈ ગઈ છે.જયારે કોગ્રેસની સીટો ૭૫-૮૦ થઈ ગઈ હતી. જોકે આજે મતદાન પછી કોંગ્રેસની ૧૨૦થી ૧૨૫ અને ભાજપની ૯૦થી ૧૦૦ બેઠકો બોલાતી હતી.

આજ પ્રમાણે રાજસ્થાનમાં પ્રારંભે કોંગ્રેસની ૧૩૦-૧૩૫ અને ભાજપની ૫૫-૬૦ સીટો ખુલ્લી હતી. પછી ભાજપે જોર વધારતા ભાજપની સીટોનુ સેશન ૭૫-૮૦ અને કોગ્રેસની સીટોનું સેશન ૧૦૦-૧૦૫ થયું હતું.જો કે, મતદાન પછી કોંગ્રેસની ૧૨૫થી ૧૩૦ અને ભાજપની ૭૫થી ૮૦ સીટો બોલાતી હતી. આમ એમપી અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ સટોડિયા માની રહ્યા છે. જોકે કેટલાક સટોડિયા એમપીમાં ભાજપની સરકાર આવશે એમ પણ માને છે.(૨૧.૩)

(10:16 am IST)