Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૧૧મીએ તસ્વીર સ્પષ્ટ થશે પરંતુ એકઝીટ પોલ આપે છે મહત્વના ૯ સંકેતો

એકઝીટ પોલના પરિણામોએ ભાજપની ચિંતા વધારીઃ ૨૦૧૯માં મળી શકે છે જોરદાર ટક્કરઃ પરિણામો મોદી સરકારની દિશા-દશા નક્કી કરવાની સાથે વિપક્ષોની આગામી રણનીતિ ઉપર પણ અસર પડશે: જો એકઝીટ પોલ સાચા પડશે તો રાહુલની મોટી સફળતા ગણાશેઃ બ્રાન્ડ મોદી ઉપર અસર પડશેઃ સંસદમાં વિપક્ષ આક્રમક બનશેઃ ભાજપે ફરી રામ મંદિરનો સહારો લેવો પડશેઃ ભાજપને સત્તા વિરોધી લહેર ભારે પડશે

નવી દિલ્હી, તા. ૮ :. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ગઈકાલે આવેલા એકઝીટ પોલના મિશ્ર સંકેતો મળ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યોમાં વિજય વાવટો ફરકાવવા ભાજપ અને કોંગ્રેસે કોઈ કસર બાકી રાખી નથી. તેવામાં આ પરિણામો ૨૦૧૯ની ચૂંટણીની દિશા અને જનતાનો મિજાજ પણ સામે રાખશે. હવે એ સમજવાનું મહત્વનુ છે કે જો ૧૧મી ડિસેમ્બરે એકઝીટ પોલ મુજબના પરિણામો આવે તો તેના સંકેત, પ્રભાવ અને અસર શું પડશે ? તે જાણવુ મહત્વનું બનશે. ૯ બાબતો મહત્વની બનશે.

(૧) રાહુલ ગાંધીની પહેલી મોટી સફળતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પહેલીવાર એકઝીટ પોલ્સમાં ભાજપ સમક્ષ મોટી સફળતા મળવાનું અનુમાન છે. જો ૧૧મીએ પરિણામો આ રહ્યા તો રાહુલ ગાંધીને સામાન્ય ચૂંટણી પહેલા સફળતાનું ટોનીક મળશે કે જેની કોંગ્રેસને ખાસ જરૂર છે. આનાથી ૨૦૧૯ પહેલા રાહુલ ગાંધી સ્થાપિત થશે અને વિપક્ષો વચ્ચે તેમની સ્વીકાર્યતા વધશે.

(૨) તેલંગણામાં ગઠબંધનનો પ્રયોગ નિષ્ફળ

તેલંગણામાં કોંગ્રેસે ટીઆરએસ વિરૂદ્ધ મોટુ ગઠબંધન બનાવ્યું જેમાં ચંદ્રબાબુ નાયડુની આગેવાનીવાળી ટીડીપી પણ હતી. ગઠબંધને હાઈવોલ્ટેજ પ્રચાર કર્યો પરંતુ પરિણામો આ જ રહ્યા તો ગઠબંધનના પ્રયોગ પર સવાલ ઉભો થશે. ૨૦૧૯ પહેલા સામાન્ય ચૂંટણીમાં આ ગઠબંધનના ભવિષ્ય પર પણ અસર પડશે. કેસીઆરનો સમય પૂર્વ ચૂંટણી કરાવવાનો દાવ યોગ્ય લાગી રહ્યો છે.

(૩) વસુંધરાના નેતૃત્વ ઉપર અસર

રાજસ્થાનમાં સીએમ વસુંધરા રાજે સિંધીયા વિરૂદ્ધ નારાજગીની વાત સામે આવતી રહી છે. તેમને હટાવવાની ચર્ચા થઈ પરંતુ તેવુ ન થયું. ટીકીટ વિતરણમાં પણ તેમનુ ધાર્યુ થયું. જો એકઝીટ પોલના પરિણામો સાચા પડશે તો તેમના નેતૃત્વ પર સવાલ ઉભા થશે. પક્ષકારને હટાવી પણ શકે છે.

(૪) પ્રાદેશિક પક્ષોની ગેઈમ નિષ્ફળ ?

એકઝીટ પોલ્સના સંકેતો બતાવે છે કે, એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં નાના અને પ્રાદેશિક પક્ષોને કોઈ મોટી સફળતા નહિ મળે. જો કે આવા પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બધા રાજ્યોમાં કાંટે કી ટક્કરમાં તેમને મળેલા વોટ કોઈની ગેઈમ સુધારી શકે છે અથવા બગાડી શકે છે. સાથોસાથ અખિલેશ અને માયાવતી માટે પણ ઝટકો હશે. જે અંતિમ સમયમાં કોંગ્રેસથી દૂર રહ્યા છે.

(૫) શું એન્ટીઈન્કમબન્સી ભારે પડી ?

રાજસ્થાનમાં ભલે વસુંધરા વિરૂદ્ધ લોકોની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે પરંતુ એમપીમાં શિવરાજની લોકપ્રિયતા યથાવત છે. જો એમપીમા ભાજપ નિષ્ફળ રહે તો તેનો એ જ સંદેશ હશે કે લોકોમાં પરિવર્તનની ઈચ્છા લોકપ્રિયતા અને કલ્યાણકારી યોજના પર ભારે પડી. ત્રણેય રાજ્યોમાં ભાજપને આનો સામનો કરવો પડી રહ્યો છે અને એકઝીટ પોલ્સમાં કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે.

(૬) શું બ્રાન્ડ મોદીને પડશે અસર ?

એકઝીટ પોલ્સના હિસાબથી પરિણામો આવ્યા તો તે બ્રાન્ડ મોદી પર અસર નાખશે. મોદીએ બધા રાજ્યોમાં જઈને સભાઓ કરી. રાજસ્થાનમાં વધુ પ્રચાર કર્યો. ભાજપે પ્રચારમાં એ બાબત પર ફોકસ કર્યો કે ૨૦૧૯માં ફરીથી મોદીને લાવવા માટે આ રાજ્યોમાં ભાજપનો વિજય જરૂરી હતો. કોંગ્રેસ જો આ રાજ્યોમાં ભાજપને હરાવવા માટે સફળ રહે તો તે મોદીની એ અજેય ઈમેજને તોડશે. જે ભાજપ બતાડવાનો પ્રયાસ કરે છે.

(૭) સંસદમાં વિપક્ષ આક્રમક બનશે

જો પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવ્યા તો શિયાળુ સત્રમાં વિપક્ષ આક્રમક બનશે. કોંગ્રેસ ફરીથી કેન્દ્ર બિન્દુમાં આવશે એ વિપક્ષની એકતા બનાવવાનો પ્રયાસો કરશે. રાફેલથી લઈને ખેડૂતોના મુદ્દા અને નોટબંધી જેવા મામલે સરકારને ઘેરશે.

(૮) નોર્થ ઈસ્ટમાં કોંગ્રેસને પછડાટ

મિઝોરમના એકઝીટ પોલ્સ અનુસાર ત્યાં કોંગ્રેસને પછડાટ મળશે. જો કોંગ્રેસ આ રાજ્યને બચાવવામાં સફળ નહિ રહે તો નોર્થ ઈસ્ટમાં તેનુ પત્તુ સાફ થઈ જશે.

(૯) ભાજપનો જવાબ શું રામ મંદિર બનશે ?

જ્યાં સુધી ભાજપના લોકો વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની વાત કરતા હતા અને લોકસભાની ચૂંટણીમાં તેના પર લડવાની વાત કરે છે તો ભાજપે હવે પોતાની રણનીતિ બદલવી પડશે. નવો એજન્ડા શોધવો પડશે. એવામાં ભાજપ શું ફરીથી રામ મંદિર અને હિન્દુત્વનું રણશીંગુ ફુંકશે ? હવે રામ મંદિર મામલે ભાજપનું વલણ સામે આવી શકે છે.

એકઝીટ પોલ સાચા સાબિત થયા તો ભાજપમાં કોના માથે ઢોળાશે ત્રણ રાજ્યોના પરાજયનો દોષનો ટોપલો

નવી દિલ્હીઃ જો એકઝીટ પોલના પરિણામો સાચા આવ્યા તો ભાજપ શાસિત રાજ્યોમાં પરાજયનું ઠીકરૂ કોના માથે ફુટશે ? આ સવાલ ઉઠી રહ્યો છે. રાજસ્થાનમાં જો ભાજપ હારશે તો વસુંધરા રાજેની જવાબદારી ફીકસ થશે કે પછી પક્ષના હાઈકમાન્ડની ? મોદીએ ત્યાં ૧૩ રેલીઓ કરી હતી આમ છતા ભાજપ ત્યાં હારે છે તેવા સંકેતો મળ્યા છે. જો ભાજપ વિજય થશે તો શ્રેય મોદી અને હાઈકમાન્ડ લેશે પરંતુ જો હારશે તો જવાબદારી કોની થશે ? તે સવાલ મોટો છે. છત્તીસગઢમાં રમણસિંહની વિદાય નક્કી છે. ત્યાં સત્તા વિરોધી લહેર પણ નહોતી કે વિખવાદ પણ નહોતો છતા પણ પક્ષ હારે છે તેવામાં જવાબદારી કોની ફીકસ થશે ? તે મહત્વનુ બનશે. મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષથી ભાજપ સત્તા પર છે. શિવરાજ ૧૩ વર્ષથી સીએમ છે. એકઝીટ પોલમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ છે પરિણામો આવા જ રહ્યા તો કોની જવાબદારી ફીકસ થશે ? તે સવાલ છે. ભાજપ એવુ નથી ઈચ્છતુ કે જવાબદારી રાષ્ટ્રીય નેતાઓની કે મોદીની ફીકસ થાય એવામાં ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓની જવાબદારી ફીકસ થશે

(10:15 am IST)
  • બ્રિટનમાં ગોરાની સરખામણીમાં અશ્વેત શિક્ષકોને ઓછો પગાર : BBC દ્વારા એક ભારતીય મૂળની શિક્ષિકાના અનુભવને આધારે પ્રસારિત થયેલા સમાચાર મુજબ ગોરા શિક્ષકોની સરખામણીમાં 26 ટકા ઓછો પગાર મળતો હોવાની રાવ access_time 12:40 pm IST

  • વડોદરાના પાદરાના નેદ્રા ગામે દીપડાની દહેશત :૫ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ :ગામના લોકોએ ખેતરોમાં જવાનું બંધ કર્યું :ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું access_time 1:36 am IST

  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વડા કેશુભાઈ પટેલને તાવ અને કફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. access_time 10:15 pm IST