Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બ્લડ બેંકોની બેદરકારીથી પાંચ બાળકો બન્યા એચઆઇવી ગ્રસ્ત

૩ બાળકો હિપેટાઇટીસનો બન્યા શિકારઃ ઝારખંડની ઘટના

રાંચી તા.૮: બ્લડબેંકોની બેદરકારીએ ઝારખંડના આઠ બાળકો જીવનમાં ઝેર ફેલાવી દીધું છે. આ બાળકો થેલેસેમીયાના ઇલાજ માટે રાંચીની ડે કેયર હોસ્પિટલમાં ગયા હતા. સારવાર દરમ્યાન ચેપવાળુ લોહી ચડાવવાના કારણે તેમાંથી પાંચ બાળકો એચઆઇવીના શિકાર થઇ ગયા છે, જયારે બાકીના ત્રણને હેપેટાઇટીસ સી(એચસીવી) થયો છે.

રાંચીમાં ડે કેયરનું ઉદ્દઘાટન આ વર્ષે રપ જુલાઇએ થયું છે. ત્યારથી અહીં ઇલાજ માટે થેલેસેમીયાના ૧૨૯ દર્દીઓ આવ્યા છે, જેમાંથી ૮ ચેપગ્રસ્ત થયા છે. આ બાળકોના માતા-પિતા એચઆઇવી નેગેટીવ છે, તેમને કોઇ પ્રકારનો ચેપ નથી. ચેપી લોહી ચડાવવાના કારણે જ આ બાળકોને અસર થઇ છે. જરૂરિયાત પ્રમાણે આ બાળકોને સમયાંતરે બ્લકબેંકમાંથી લોહી લાવીને ચડાવાયું હતું . આ દરમ્યાન જયારે આ બાળકોની તપાસ કરાઇ તો પાંચ બાળકો એચઆઇવી અને ત્રણ એચસીવીથી અસરગ્રસ્ત જોવા મળ્યા. એચઆઇવી પોઝીટીવ જોવા મળેલા આ પાંચ બાળકોમાં બે રાંચી, બે ઝાલદા અને એક હઝારીબાગના છે. છ વર્ષના એક બાળકનું મોત થઇ ચુકયું છે. એચસીવી પોઝીટીવ ત્રણ બાળકો રાંચી જિલ્લાના છે. તેમની ઉંમર ૮ થી ૧૩ વર્ષ છે.(૧.૨)

(10:12 am IST)