Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઘરમાં કામ કરતી કામવાળીનું વિઝિટિંગ કાર્ડ વાયરલઃ દેશભરમાંથી મળી ઓફર

પૂણેની હાઉસમેડનુ ભાગ્ય ખુલ્યું

પૂણે, તા.૮: વિઝિટીંગ કાર્ડની મદદથી કામ કરવાની ઈચ્છા રાખનાર આ મહિલા નવી ઈન્ટરનેટ સનસની બની ગઈ છે. આ મહિલાનુ નામ ગીતા કાલે છે. ગીતા કાલે ઘરોમાં મેડનુ કામ કરે છે. પૂણેના બાવધન વિસ્તારમાં દ્યરેલુ કામ કરતી ગીતા કાલેની હાલમાં જ નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટ્યા બાદ ગીતા દુઃખી અને ઉદાસ હતી. ગીતાએ એક કામ આપનારી મહિલા સાથે વાત કરી અને તેની નાનકડી મદદથી ગીતા હવે આખા દેશમાં ચર્ચિત બની ચૂકી છે.

ગીતાનુ આ કાર્ડ ધનશ્રી શિંદેએ બનાવ્યુ છે. ગીતા તેમના ત્યાં કામ કરતી હતી. ગીતાનુ જે વિઝિટિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યુ છે તેમાં લખ્યુ છે - દ્યરકામ મૌસી બાવધન. આ કાર્ડમાં તેના દરેક કામનો ઉલ્લેખ હતો અને તેનો રેટ પણ લખેલો હતો. આ વિઝિટિંગ કાર્ડ આધારકાર્ડથી પણ વેરિફાઈડ હતુ. ધનશ્રી શિંદેએ આ કાર્ડ ત્યારે બનાવ્યુ હતુ જયારે તેને ખબર પડી કે ગીતાનુ કામ છૂટી ગયુ છે અને તે બહુ નિરાશ છે.

૨૪ કલાકની અંદર જ શિંદેએ ગીતાના ૧૦૦ વિઝિટિંગ કાર્ડ બનાવી દીધી. આ કાર્ડમાં ગીતાનુ દરેક કામ અને તેમનો રેટ પણ લખેલો હતો. ત્યારબાદ શિંદેએ આ બધા કાર્ડ ગીતાને આપી દીધા અને પડોશમાં વહેંચવા માટે કહ્યુ. શિંદેની આ નાનકડી કોશિશ અપેક્ષાથી વધુ કામ કરી ગઈ અને હવે આખો દેશ ગીતાને કામ આપવા ઈચ્છે છે. ગીતાના વિઝિટિંગ કાર્ડનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ત્યારબાદ સતત તેમનો ફોન રણકી રહ્યો છે અને લોકો તેમને કામ આપવા ઈચ્છે છે.

ધનશ્રીએ ગીતાની મદદ માટે એક નાનુ પગલુ ઉઠાવ્યુ હતુ પરંતુ તેને ખબર નહોતી કે તે સોશિયલ મીડિયા પર સનસની બની જશે. પોસ્ટ મુજબ મૌસીનો ફોન સતત વાગી રહ્યો છે અને નોકરીના પ્રસ્તાવ આખા દેશમાં આવી રહ્યા છે. ગીતા કાલેએ પોતાનો ફોન શિંદેને આપ્યો છે જેથી તે સતત આવી રહેલા ફોન કોલ્સ મેનેજ કરી શકે. ગીતા કાલેનુ કાર્ડ વાયરલ થયા બાદ તેમની સાથે વાત કરવાની પણ કોશિશ કરી પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો છે.

(3:56 pm IST)