Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભારતીય મુળના અમેરિકન ફિઝીશ્યન રવિ ગોડસેએ બનાવી અંગ્રેજી ફિલ્મ

'રિમેમ્બર એમ્નેસિયા' નામની ફિલ્મમાં એવોર્ડ વિનર હોલીવૂડ, બોલીવૂડ અને મરાઠી ફિલ્મના અનેક કલાકારો

મુંબઇ તા. ૮: ડોકટર રવિ ગોડસેએ પોતાની નવી ફિલ્મ 'રિમેમ્બર એમ્નેસિયા'માં બે મોટા વૂડ (હોલીવૂડ અને બોલીવૂડ)ને ભેગા કર્યા છે!..આ ઉપરાંત મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે. આવું કરનારા તેઓ પહેલા નિર્દેશક છે.

ભારતીય મુળના ડોકટરની આ અંગ્રેજી ફિલ્મમાં ટોવાહ ફેલ્દુશુહ, લીસા એન વોલ્ટર, કર્ટીસ કૂક જેવા હોલીવૂડના કલાકારો છે. તો સાથે મહેશ માંજરેકર, શ્રુતિ મરાઠે, વિજય પાટકર, મોહન અગાસે, આનંદ કાલે સહિતના ભારતીય કલાકારો પણ અભિનય આપી રહ્યા છે.

ડો. રવિ ગોડસેએ કહ્યું હતું કે-આ ફિલ્મથી બોલીવૂડ જ નહિ, મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ વૈશ્વીક બની છે. મેં તેમનું કામ જોયું છે અને હું તેમનો ચાહક છું. ફિલ્મના બધા કલાકારોએ પોતપાતાના ક્ષેત્રમાં મહત્વનું કામ કર્યુ છે. હવે વિશ્વ તેનું કામ જોઇ શકશે. હોલીવૂડ, બોલીવૂડ કે અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, ટેલેન્ટ બધી જગ્યાએ હોય જ છે.

આ ફિલ્મના કલાકારોમાં મહત્વનું નામ ટોવાહ ફલ્દુશુરનું છે. તેણી બે વખત એમ્મી એવોર્ડ માટે નોમિનેટ થઇ ચુકી છે. આ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મેળવી ચુકી છે. ફિલ્મના લેખક અને નિર્દેશક ડોકટર રવિ ગોડસે છે. જ્યારે એડિટર સંજય સાંકલા છે. જેમણે 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મ માટે કામ કર્યુ હતું. 'રિમેમ્બર એમ્નેસિયા' ફિલ્મ અમેરિકા સ્થિત ભારતીય ડોકટરની કહાની છે. જે ભારતમાં આવીને એક અકસ્માતમાં પોતાની યાદદાસ્ત ગુમાવી બેસે છે. જ્યારે તેમની યાદશકિત પાછી આવે છે ત્યારે તેમને યાદ નથી હોતું કે તેના હાથે જ તેની પત્નિની હત્યા થઇ હતી કે નહિ?!  તસ્વીરમાં ડો. રવિ ગોડસે અને આનંદ કાલે જોઇ શકાય છે.

(1:01 pm IST)