Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મુડીઝે અર્થતંત્રનું રેટીંગ ઘટાડયું: આઉટલુકને કર્યુ નેગેટીવ

ભારતીય અર્થવ્યવસ્થાને મોરચે વધુ એક નેગેટીવ સમાચાર આવ્યાઃ મુડીઝે ભારતનું રેટીંગ સ્ટેબલમાંથી નેગેટીવ કર્યુઃ અગાઉ કરતા જોખમ વધી ગયાનું જાહેર કર્યુઃ આ અગાઉ અનેક એજન્સીઓએ ભારતીય અર્થતંત્ર-જીડીપી અંગે લાલ બત્તી દર્શાવી છેઃ સરકારના ભરપૂર પ્રયાસો છતા આર્થિક વિકાસની ગાડી પાટે ચડતી નથી

નવી દિલ્હી, તા. ૮ :. આર્થિક સુસ્તીનો સામનો કરી રહેલ ભારતીય અર્થવ્યવસ્થા માટે વધુ એક વખત નકારાત્મક સમાચાર આવ્યા છે. રેટીંગ એજન્સી મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનું રેટીંગ ઘટાડી દીધુ છે. તેણે ભારત અંગે પોતાનો આઉટલુક સ્ટેબલમાંથી ઘટાડીને નેગેટીવ કરી દીધુ છે. મુડીઝનું કહેવુ છે કે પહેલાના મુકાબલે ભારતીય અર્થવ્યવસ્થામાં જોખમ વધી ગયુ છે તેથી અમે રેટીંગ ઘટાડી દીધુ છે. મુડીઝના આઉટલુકથી એ બાબતનો અંદાજ મળે છે કે કોઈ દેશની સરકાર અને તેની નીતિઓ આર્થિક નબળાઈનો સામનો કરવામાં કેટલી અસરકારક છે. 

ક્રેડીટ રેટીંગ એજન્સી મુડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક મોટુ અનુમાન વ્યકત કર્યુ છે. મુડીઝે ભારતના દ્રષ્ટિકોણને એટલે કે ભારતના આઉટલુકને 'સ્ટેબલ' (સ્થિર)માંથી 'નેગેટીવ' (નકારાત્મક)માં તબદીલ કર્યુ છે. આમ મુડીઝે ભારતના આઉટલુકના રેટીંગના ડાઉન ગ્રેડ કરેલ છે. આ સાથે મુડીઝે કહ્યુ છે કે ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા ભારતના ક્રેડીટ રેટીંગ આઉટલુકને નકારાત્મકમાં મુકી દેવામાં આવેલ છે કારણ કે મંદી તરફ આ પહેલુ પગલુ છે. મુડીઝનું કહેવુ છે કે આર્થિક મંદીને લઈને ચિંતાઓ લાંબા સમય સુધી રહેશે અને દેવુ વધતુ જશે.

અત્રે નોંધનીય છે કે કેન્દ્રની મોદી સરકાર ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે જીડીપી ગ્રોથ વધારવા પર ભાર આપે છે, તો બીજી તરફ વિશ્વભરની રેટીંગ એજન્સીઓ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી રહી છે. હજુ ગયા મહિને જ મુડીઝે ૨૦૧૯-૨૦ માટે ગ્રોથ રેટ અનુમાન ઘટાડી ૫.૮ ટકા કર્યુ હતું. આ પહેલા અનુમાન ૬.૨ ટકાનંુ હતું. મુડીઝે હવે ભારતનું અર્થતંત્ર સ્ટેબલમાંથી નેગેટીવ કરતા એ સ્પષ્ટ થાય છે કે દેશના આર્થિક વિકાસની ગાડી થંભી જવાની છે.

મુડીઝ દ્વારા માર્ચ ૨૦૨૦ સુધીમાં બજેટ ખાધ પણ ૩.૭ ટકા જીડીપીના રહેવાનુ અનુમાન વ્યકત કરાયુ છે. જો કે સરકારે તે ૩.૩ ટકા રહેશે તેવુ જણાવ્યુ છે. બીએએ-૨ રેટીંગની પુષ્ટી કરતા મુડીઝે જણાવ્યુ છે કે ધીમી અર્થવ્યવસ્થાને લઈને જોખમ વધી રહ્યુ છે. આર્થિક વિકાસ ભૂતકાળની તુલનામાં ભૌતિક રીતે ઓછો રહેશે. આર્થિક મંદીને લઈને ચિંતાઓ લાંબા સમય સુધી રહેશે અને દેવુ વધતુ જશે. મુડીઝે ભારત માટે બીએએ-૨ વિદેશી મુદ્રા અને સ્થાનિક મુદ્રા દીર્ઘકાલીન રેટીંગની પુષ્ટી કરી છે.

આ પહેલા પણ અનેક રેટીંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે પોતાના અનુમાન ઘટાડી દીધા છે. એપ્રિલથી જૂનના ગાળામાં ભારતમાં જીડીપીનો ગ્રોથ માત્ર ૫ ટકા રહ્યો છે જે ૨૦૧૩ બાદ સૌથી ઓછો છે. નબળી માંગ અને સરકારી ખર્ચ ઘટવાને કારણે અર્થવ્યવસ્થાની રફતાર વધતી નથી. એક વર્ષ પહેલા આ જ ગાળામાં જીડીપીનો ગ્રોથ ૮ ટકા હતો. ફીચ, ક્રિશીલ, રીઝર્વ બેન્કે પણ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધુ છે.

(10:31 pm IST)