Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કાંઇ નો ઘટે હો બાપલા...

રનમશીન રોહિતે રાજકોટીયનોને કરી દીધા રાજી-રાજી

ટ્વેન્ટી-૨૦ સિરીઝના ગઇકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલા બીજા મેચમાં ધારણા મુજબ જ ભારતીય ટીમનો કેપ્ટન સુપરહિટ..રોહિત શર્મા રનમશીન બનીને વરસી પડતાં હજ્જારો ક્રિકેટ ચાહકોના 'રોહિત...રોહિત...'ના નારાથી મેદાન ગાજી ઉઠ્યું હતું. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને પ્રથમ બેટીંગનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે જે રીતે શરૂઆત કરી હતી તે જોતાં ૨૦ ઓવરમાં ૧૭૦ સુધી સ્કોર સરળતાથી પહોંચી જશે તેવું લાગતું હતું. પરંતુ ભારતીય બોલર્સએ બાંગ્લાદેશની આ આશા કારગત નિવડવા દીધી નહોતી અને ૧૫૩ સુધી જ સ્કોર પહોંચી ગયો હતો. આ ટારગેટને પાર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરેલા કેપ્ટન રોહિત શર્મા અને ગબ્બર શિખર ધવને જબરદસ્ત શરૂઆત કરી બાંગ્લાદેશના બોલરોને ધોવાનું શરૂ કરી દીધું હતું. રોહિત વરસી પડશે...તેવી ક્રિકેટ ચાહકોની ધારણા સાચી ઠરી હતી અને તેણે મેદાનમાં ચોતરફ છગ્ગા ચોગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. કુદરતી વાવાઝોડા અને વરસાદની સંભાવના હતી પણ અહિ તો રનનું વાવાઝોડુ ફુંકાયું હતું. તે સાથે જ મેદાનમાં કાઠીયાવાડી સ્ટાઇલથી ચાહકો રોહિત-રોહિતના નામની બૂમો પાડી 'ઘટે નહિ હવે કાંઇ હો બાપલા...'  એવી કાઠીયાવાડી લહેકા સાથે બૂમો પાડતાં રમૂજ ફેલાઇ ગઇ હતી. રોહિતે સોૈને રાજી રાજી કરી દીધા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:32 am IST)