Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મહારાષ્ટ્ર મડાગાંઠ : રાજ્યપાલની સાથે ભાજપ નેતાઓની બેઠક થઇ

તમામ કાયદાકીય પાસાઓ ઉપર રાજ્યપાલ સાથે ચર્ચા કરાઈ : પાર્ટીનું નેતૃત્વ ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને નિર્ણય લઇ લેશે : મંત્રણાનો સિલસિલો : રાજકીય વર્તુળોમાં ભારે સસ્પેન્સની સ્થિતિ

મુંબઈ, તા. ૭ : મહારાષ્ટ્રમાં સરકારીની રચનાને લઇને જારી રસાકસી વચ્ચે ભાજપ નેતાઓએ રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ સાથે વાતચીત કર્યા બાદ ભાજપ નેતાઓએ દાવો કર્યો હતો કે, પ્રદેશમાં ગઠબંધનની જ સરકાર બનશે. ભાજપ પ્રતિનિધિ દળમાં સામેલ રહેલા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, રાજ્યપાલને મળીને તેઓએ તમામ કાયદાકીય અને રાજકીય પાસાઓ ઉપર ચર્ચા કરી છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેનો નિર્ણય લેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારના નેતૃત્વમાં આ પ્રતિનિધિ દળે રાજ્યપાલને મળીને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી.

            ચંદ્રકાંત પાટિલે મોડેથી પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે રાજ્યપાલને સરકાર બનાવવામાં થઇ રહેલી વિલંબના સંદર્ભમાં વાતચીત કરી ચુક્યા છે. આ સંદર્ભમાં ટોપ નેતૃત્વ આગળની કાર્યવાહી કરશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રદેશમાં ગઠબંધનની જ સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે, શિવસેના સાથે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ નિર્ણય લઇ લેવામાં આવશે. બીજી બાજુ ઠાકરેના પરિવારના નિવાસસ્થાન માતોશ્રીમાં શિવસેનાના ધારાસભ્યોની ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક થઇ હતી. બેઠક બાદ શિવસેના ધારાસભ્યોને શારદા હોટલમાં લઇ જવામાં આવ્યા હતા. પાર્ટીમાં એવી દહેશત હતી કે, પાર્ટીના ધારાસભ્યોને ભાજપ તેની તરફેણમાં કરી શકે છે.

ગડકરીએ કહ્યું હતું કે, પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે વિધાનસભા ચૂંટણીમાં ઉભરી છે જેથી મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડનવીસ જ રહેશે. શિવસેના સાથે વાતચીત ચાલી રહી છે. બીજી બાજુ શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપની ગતિવિધિને લઇને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શિવસેના મુખ્યમંત્રી પદની માંગણીને લઇને મક્કમ છે. બંને પાર્ટીઓ મુખ્યમંત્રી પદ મુદ્દે જિદ્દી વલણ અપનાવી રહ્યા છે. શિવસેનાનું કહેવું છે કે, પાર્ટી મુખ્યમંત્રી પદને લઇને ઝુંકવા માટે તૈયાર નથી. બીજી બાજુ ભાજપે પણ કોઇપણ કિંમતે મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા તૈયાર નથી. ભાજપના અનેક નેતાઓ આજે પણ કહી ચુક્યા છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ જ બનશે. મુનગંટીવારે કહ્યું છે કે, ભાજપ શિવસેનાને સાથે રાખશે અને એક મજબૂત અને સ્થિર સરકાર બનાવવાના પ્રયાસમાં છે. ઉદ્ધવ ઠાકરે પોતે કહી ચુક્યા છે કે, દેવેન્દ્ર ફડનવીસ પોતે એક શિવસૈનિક છે. ભાજપ લઘુમતિ સરકાર બનાવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હાલમાં આવી કોઇ યોજના નથી.

 

(12:00 am IST)