Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છતાંય રાત્રે 10 વાગ્યા પછી પણ ફુટ્યા ફટાકડા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાત્રે દસ વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દિવાળી પર સમગ્ર દેશમાં મોડી રાત સુધી ફટાકડા ફુટ્યા હતા. દિલ્હી સહિતના દેશના મોટાભાગના શહેરોમાં ફટાકડાને કારણે પ્રદુષણની માત્રા સામાન્ય કરતા અનેકગણી વઘી ગઈ હતી. દિલ્હીમાં તો દિવાળીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી બગડેલી હવાની ગુણવત્તા ઓર બગડી હતી.

સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે રાત્રે આઠથી દસનો સમય નક્કી કર્યો હતો. જોકે, એકેય શહેરમાં તેનું પાલન નથી થયું. દિલ્હીમાં ફટાકડાને કારણે પ્રદુષણનું સ્તર આજે સવારે ખતરનાક કેટેગરી સુધી પહોંચી ગયું હતું.

સુપ્રીમ કોર્ટે આ વખતે રાજધાનીમાં ગ્રીન ફટાકડા ફોડવાનો જ આદેશ આપ્યો હતો. જોકે, તેની પણ કોઈ ખાસ અસર જોવા મળી નથી. બીજી તરફ, અમદાવાદ, વડોદરા, તેમજ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં મોડી રાત સુધી ફટાકડા ફુટ્યા હતા. અમદાવાદમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીમાં ચારેકોર ધુમાડાની ચાદર ફેલાઈ ગઈ હતી.

(2:05 pm IST)