Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ઇશ્વર નિંદાના કેસ સબબ આસિયા બીબીને જેલમાંથી મુક્ત કરાયાં

કટ્ટરપંથી મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન તથા એક મુસ્લિમ મહિલા સાથેની વાતચીતમાં પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે

પાકિસ્તાનમાં હાલમાં જ ઈશ્વર નિંદાના આરોપમાંથી મુક્ત થયેલાં આસિયા બીબીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.  ઈશ્વર નિંદા મામલે આસિયા બીબીનો કેસ લડી રહેલા તેમના વકીલે આ જાણકારી આપી છે.  કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તી મહિલા આસિયા બીબી વિમાનમાં સવાર થઈને પાકિસ્તાનમાંથી બહાર જતાં રહ્યાં છે.

જોકે, તેઓ ક્યાં ગયાં છે તે મામલે હજી સુધી કોઈ માહિતી મળી નથી.  આસિયા બીબીને નીચલી અદાલતે ઈશ્વર નિંદાના આરોપમાં મોતની સજા આપી હતી.  આ સજા સંભળાવ્યાનાં આઠ વર્ષ બાદ તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યાં છે.

આસિયા બીબી સામે કટ્ટરપંથી મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં

આસિયા બીબી પર એક મુસ્લિમ મહિલા સાથેની વાતચીતમાં પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

જોકે, પયગંબર મોહમ્મદના અપમાનના આરોપનું આસિયા બીબીએ ખંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશ્વર નિંદા ઘણો સંવેદનશીલ વિષય છે.

ટીકાકારોનું માનવું છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને ઘણી વખત લઘુમતીના લોકોને ફસાવવામાં આવે છે.

આ સમગ્ર મામલો 14 જૂન 2009નો છે, જ્યારે નૂરીન તેમના ઘર પાસે ફાલસાના બગીચામાં અન્ય મહિલા સાથે કામ કરવા પહોંચ્યાં ત્યારે તેમનો ઝઘડો સાથે કામ કરતાં મહિલા સાથે થયો.

આસિયાએ તેમના પુસ્તકમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.

અંગ્રેજી વેબસાઇટ ન્યૂ યૉર્ક પોસ્ટમાં પર પ્રકાશિત થયેલા આ પુસ્તકના અંશમાં લખ્યું છે, "મને આજે પણ 14 જૂન 2009ની તારીખ યાદ છે. આ તારીખ સાથે જોડાયેલી તમામ બાબત યાદ છે."

"હું એ દિવસે ફાલસા વીણવાં ગઈ હતી. હું ઝાડીઓમાંથી નીકળીને કૂવા પાસે પહોંચી અને કૂવામાં ડોલ નાખીને પાણી કાઢ્યું, પછી મેં કૂવા પર રાખેલા ગ્લાસથી ડોલનું પાણી પીધું."

તેઓ આગળ કહે છે, "મારા જેવી જ સ્થિતિ ધરાવતી મહિલાને મેં પાણી કાઢી આપ્યું. ત્યારે જ એક મહિલાએ ઘાંટો પાડીને કહ્યું કે આ પાણી ના પીશો કારણકે ખ્રિસ્તી મહિલાએ તેના સ્પર્શથી આ પાણી અશુદ્ધ કરી દીધું છે. આ હરામ છે."

(9:31 am IST)