Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી મૂર્તિ બનાવીશું: યોગી

અયોધ્યામાં સકારાત્મક વિકાસની સાથે આધ્યાત્મિક પ્રવૃતિઓ સાથે લોકોને જોડવામાં આવશે

 

લખનૌ: ઉત્તર પ્રદેશમાં રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે જ મંદિર હતું અને મંદિર રહેશે એમ જણાવતા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ કહ્યું છે કે, બંધારણીય મર્યાદામાં રહીને રામ મંદિર બનાવી ભગવાન રામની પૂજનીય મૂર્તિ સ્થાપિત કરવા સાથે સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી દર્શનીય મૂર્તિ બનાવવામાં આવશે. આ ઉપરાંત આગામી વર્ષોમાં અયોધ્યાની કાયાપલટ કરી વિશ્વની શ્રેષ્ઠ નગરી બનાવવાનું યોગીએ કહ્યું છે.

 

ગઈકાલે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા જાહેર કરનાર મુખ્યમંત્રી યોગીએ અયોધ્યામાં આજે બીજા દિવસે રામજન્મ ભૂમિ જઈ રામલલ્લાના દર્શન કર્યા હતા. તે અગાઉ યોગી હનુમાન ગઢી, દિગંબર અખાડા અને સરયુ ઘાટ પણ ગયા હતા. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા યોગીએ કહ્યું કે, અયોધ્યામાં જ રામ મંદિર હતું અને રહેશે. જેમાં બંધારણીય જોગવાઈ અનુસાર જ આ મંદિર બનાવવાનું કહેતા તેમણે કહ્યું કે, મુખ્ય મંદિરમાં ભગવાનની પૂજનીય મૂર્તિ હશે. જયારે સરયુ ઘાટ પર બે-ત્રણ જગ્યા જોઈ છે ત્યાં ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી દર્શનીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

યોગીએ વધુમાં કહ્યું કે, અયોધ્યામાં સકારાત્મક વિકાસની સાથે આધ્યાત્મિક પ્રવૃતિઓ સાથે લોકોને જોડવામાં આવશે. જેમાં અયોધ્યા માટે સરકારે બનાવેલી અનેક યોજનાઓના કારણે આગામી વર્ષોમાં અયોધ્યા વિશ્વની શ્રેષ્ઠ નગરીમાં સ્થાન પામશે. તેમણે કહ્યું કે, વિધવા તેમજ અનાથ બાળકો માટે માતા કૌશલ્યાના નામ પરથી આશ્રમ બનાવવામાં આવશે. સાત પવિત્ર નગરી પૈકીનું એક અયોધ્યા શ્રદ્ધાનું પ્રમુખ કેન્દ્ર હોવાનું જણાવતા યોગીએ કહ્યું કે, અયોધ્યામાં ઝડપથી વિકાસ માટેનું આયોજન કરાયું છે. આ પછી યોગી દિવાળી મનાવવા માટે ગોરખપુર જવા રવાના થયા હતા.

(9:31 am IST)