Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નહાવા શેવા પોર્ટ ઉપરથી ૧૨૫ કરોડનું હેરોઈન જપ્ત

ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા ઓપરેશન : તસ્કરોએ ઈરાનથી આવતા મગફળીના તેલના કન્ટેનરમાં હેરોઈનનો જથ્થો સંતાડ્યો હતો : એકની ધરપકડ કરાઈ

મુંબઈ, તા.૮ : ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ૧૨૫ કિલો હેરોઈન પકડવામાં આવ્યુ છે. જેની કિંમત ૧૨૫ કરોડ રૂપિયા થવા જાય છે. આ મામલામાં એજન્સીએ મુંબઈના જયેશ સંઘવી નામના એક વ્યવસાયીની ધરપકડ કરી છે. રિપોર્ટસ પ્રમાણે હેરોઈન ઘૂસાડવા માટે તસ્કરોએ ઈરાનથી આવી રહેલા મગફળીના તેલના કન્ટેનરમાં હેરોઈનનો જથ્થો સંતાડ્યો હતો.

           જોકે ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ પાસે આ બાબતને લઈને સચોટ બાતમી હતી. તેમણે દરોડો પાડીને હેરોઈનનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ પહેલા જુલાઈમાં પણ ઈરાનથી લવાઈ રહેલુ ૨૦૦૦ કરોડ રૂપિયાનુ હેરોઈન નવી મુંબઈના જવાહરલાલ નહેરૂ પોર્ટ પરથી પકડવામાં આવ્યુ હતુ. આ હેરોઈન સડક માર્ગે પંજાબ મોકલવાનુ હતુ. તે વખતે પંજાબના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈમાં હેરોઈન ઘુસાડવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. મુંબઈ એરપોર્ટ પર પણ ગયા મહિને બે મહિલાઓ ૨૫ કરોડના હેરોઈન સાથે પકડાઈ હતી.

(7:12 pm IST)