Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દુર્ગા પૂજા પંડાલમાં મમતા બેનર્જી ની દસ હાથવાળી મૂર્તિ મૂકાઈ

પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજામાં મમતા બેનર્જી છવાયા : મુખ્યમંત્રી મમતાબેનર્જી તરફથી શરૂ કરવામાં આવેલી દસ યોજનાઓને બતાવતા મૂર્તિના દસ હાથ દર્શાવાયા

કોલકાતા, તા.૮ : પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા અલગ-અલગ સામાજિક સંદેશ અને થીમ માટે ઓળખવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પણ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલને વિશેષ થીમમાં સજાવવામાં આવ્યો છે. બુર્જ ખલીફાથી લઈને કોરોના સુધી અલગ-અલગ થીમ પર પંડાલને સજાવવામાં આવ્યો છે. આ સૌની વચ્ચે મમતા બેનર્જીના ૧૦ હાથવાળી મૂર્તિ વાળો પંડાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ઉત્તર ૨૪ પરગનામાં એક થીમ આધારિત પંડાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની એક મૂર્તિ માતા દુર્ગાની જગ્યાએ સ્થાપિત કરી છે. આ મૂર્તિમાં મમતા બેનર્જીના ૧૦ હાથ બતાવવામાં આવ્યા છે. દરેક હાથમાં પ્રદેશ માટે વિભિન્ન યોજનાઓ છે.

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના આયોજકોએ આ વખતે સીએમ મમતા બેનર્જીની મૂર્તિને પંડાલમાં સ્થાપિત કરી છે. પંડાલમાં મમતા બેનર્જીની એક મોટી મૂર્તિ લગાવાઈ છે. જેના માતા દુર્ગાની જેમ દશ હાથ પણ બનાવવામાં આવ્યા છે.

સીએમની તરફથી શરૂ કરવામાં આવેલી દસ યોજનાઓને બતાવતા મૂર્તિના દસ હાથ દર્શાવવામાં આવ્યા છે. આ પંડાલ ઉત્તર ૨૪ પરગનાના નજરૂલ પાર્ક ઉન્નયન સમિતિ બાગુઈહાટીમાં સ્થિત છે.

મમતા બેનર્જીની આ મૂર્તિ ફાઈબરગ્લાસથી બનાવવામાં આવી છે.

મૂર્તિમાં મમતા બેનર્જીએ સફેદ સાડી પહેરી છે અને બિસ્વા બાંગ્લાનો લોગો પણ છે. પંડાલ થીમ આર્ટિસ્ટ અભિજીતે જણાવ્યુ કે તમામ કોવિડ-૧૯ પ્રોટોકોલનુ પાલન કરતા પંડાલને પૂરુ કરવામાં તેમને લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો.

(7:11 pm IST)