Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભારત માટે ચિંતા : રશિયાએ પણ તાલિબાની નેતાઓને આમંત્રણ આપ્યુ

મોસ્કોમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આવવા આમંત્રણ

નવી દિલ્હી,તા.૮ : અફઘાનિસ્તાનમાં સત્તા પલટા પછી ચીન તો તાલિબાનને તમામ પ્રકારની મદદ કરી રહ્યુ છે પણ ભારત માટે ચિંતાજનક વાત એ છે કે, રશિયાએ પણ હવે તાલિબાનના નેતાઓને પોતાના દેશની મુલાકાત લેવા માટે આંમંત્રણ આપ્યુ છે.

રશિયન રાષ્ટ્રપતિના વિશેષ દૂતને પત્રકારોએ આ અંગે સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ૨૦ ઓકટોબરે મોસ્કોમાં અફઘાનિસ્તાનને લઈને એક આંતરરાષ્ટ્રીય કોન્ફન્સ યોજાવાની છે અને તેમાં તાલિબાનને આમંત્રણ આપવામાં આવશે.

આ પહેલા માર્ચ મહિનામાં આવી કોન્ફરન્સ રશિયામાં યોજાઈ હતી. જેમાં રશિયા, અમેરિકા ચીન અને પાકિસ્તાને સંયુકત નિવેદન બહાર પાડીને શાંતિ કરાર માટે અફઘાનિસ્તાનમાં તમામ પક્ષોને અપીલ કરી હતી.

દરમિયાન સંયુકત રાષ્ટ્રના એક અધિકારીએ સવાલ પૂછ્યો છે કે, અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વધી રહ્યુ છે ત્યારે પણ રશિયા તાલિબાનને મદદ કરવા માંગે છે?

ઉલ્લેખનીય છે કે, રશિયાએ તાલિબાનની સરકારને માન્યતા આપવાની ચોખ્ખી ના અત્યાર સુધી પાડી જ નથી. ઉલટાનુ તે તાલિબાન સાથે વાતચીતનું હકારાત્મક વલણ અપનાવી રહ્યુ છે.

એક અહેવાલ એવો પણ છે કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ ચીનની સાથે સાથે રશિયા પણ આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારવા માટે કોશિશ કરી રહ્યુ છે.

(3:58 pm IST)