Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મુંબઈ એરપોર્ટ પર જોરદાર ભીડઃ અફડાતફડી : કેટલાક લોકો ફ્લાઈટ ચૂકી ગયાં

વીકેન્ડ અને ફેસ્ટિવલ સીઝનને કારણે શુક્રવારે સવારે અચાનક જ પેસેન્જરોની સંખ્યા વધી ગઈઃ લોકોએ એરપોર્ટમાં દ્યૂસવા ધક્કામુક્કી કરતાં રેલવે કે બસ સ્ટેન્ડ કરતાં પણ ખરાબ સ્થિતિ સર્જાઈ : ટર્મિનલ ૨ પર સિકયોરિટી ગેટ્સ પર લાંબી-લાંબી લાઈનો જોવા મળી, લોકોએ કરી ધક્કામુક્કીઃ સવારે છ વાગ્યા બાદ ઉપડનારી તમામ ફલાઈટસ ૧૫ મિનિટથી લઈ ૧ કલાક સુધી મોડી પડી

મુંબઈ, તા.૮: શહેરના એરપોર્ટ પર શુક્રવારે ભારે ભીડ ભેગી થઈ જતાં અફરાતફરીભર્યો માહોલ રચાયો હતો. મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૨ પર સિકયોરિટી ગેટ્સ પર લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી. જેના કારણે અનેક લોકો પોતાની ફ્લાઈટ પણ ચૂકી ગયા હતા. વીકેન્ડ તેમજ ફેસ્ટિવલ સીઝનને કારણે પેસેન્જર્સની સંખ્યા અચાનક વધી જતાં એરપોર્ટ પર સિકયોરિટી તેમજ બીજી વ્યવસ્થા મેનેજ કરવામાં સ્ટાફ ફાંફે ચઢી ગયો હતો, જેના કારણે રેલવે સ્ટેશનથી પણ બદતર સ્થિતિનું નિર્માણ થયું હતું.

પેસેન્જર્સની સાથે એરલાઈન્સનો સ્ટાફ પણ અટવાઈ જતાં અનેક ફ્લાઈટ્સ પણ મોડી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે છ વાગ્યા પહેલા ઉપડેલી ફ્લાઈટ્સ જ સમયસર ઉડી શકી હતી. ત્યારબાદ એરપોર્ટ પર રશ વધી ગયો હતો, અને ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો લાઈનો તોડીને આમથી તેમ દોડતા જોવા મળ્યા હતા. ટોળાંને કાબૂમાં કરવામાં CISFના પણ નાકે દમ આવી ગયો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

એક એરલાઈનના કર્મચારીએ જણાવ્યું હતું કે, સવારે છ વાગ્યા બાદ મોટાભાગની ફ્લાઈટ્સ ૧૫ મિનિટથી લઈને ૧ કલાક સુધી મોડી પડી છે. સિકયોરિટી ચેકિંગ માટે લાંબી લાઈનો લાગતા વ્યવસ્થા સંભાળવામાં મુશ્કેલી સર્જાઈ હતી. સામાન્ય રીતે વીકેન્ડ પર ભીડ વધારે રહેતી હોય છે, પરંતુ કોરોનાનો ડર ઓછો થતાં તેમજ ફેસ્ટિવલ સીઝનને કારણે આ વખતે મોટી સંખ્યામાં લોકો બહાર જવા નીકળ્યા હોવાથી અસમાન્ય સ્થિતિ સર્જાઈ હતી.

અર્જુન વાસ નામના એક વ્યકિતએ ટ્વીટર પર જણાવ્યું હતું કે એરપોર્ટ પર મચેલી અફરાતફરીને કારણે તેઓ પોતાની ફ્લાઈટ ચૂકી ગયા હતા. તેમણે સિકયોરિટી તેમજ અન્ય સ્ટાફ પર ટોળાંને મેનેજ કરવા માટે કોઈ કાર્યવાહી ના કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, લોકો લાઈનો તોડી રહ્યા હતા, બેલ્ટ પર લગેજ ફેંકી રહ્યા હતા, તેમજ ધક્કામુક્કીમાં એક બાળક પણ કચડાયું હતું. અન્ય એક પેસેન્જરે લખ્યું હતું કે, લાઈનોમાં પણ જોરદાર ધક્કામુક્કી થઈ રહી હતી, જેનાથી કેટલાક લોકોને ગભરામણ થઈ ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો ડર ઓછો થતાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ટ્રાફિક વધી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડમાં મુંબઈ એરપોર્ટ પર રશ વધી જાય છે, અને ચેક-ઈન માટે લાંબી લાઈનો જોવા મળે છે, જે છેક એન્ટ્રી ગેટ સુધી પહોંચી જતી હોય છે. જોકે, આવી સ્થિતિ કયારેય નથી સર્જાઈ તેવું એક સિનિયર કમાન્ડરે પોતાનું નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.

તહેવારોની સીઝનમાં ક્રાઉડને મેનેજ કરવા માટે ૨૦ ઓકટોબરથી મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ-૧ ખોલવાનું પણ નક્કી કરાયું છે. જોકે, ત્યાંથી ગોફર્સ્ટ, સ્ટાર એર, એરએશિયા અને ટ્રુજેટની ફ્લાઈટ્સ જ ઓપરેટ કરશે. જેનાથી ખાસ રાહત મળે તેવી કોઈ શકયતા નથી. જોકે, નવેમ્બરથી ઈન્ડિગોની કેટલીક ફ્લાઈટ ટર્મિનલ-૧થી ઓપરેટ થશે, ત્યારબાદ ભીડ ઘટે તેવી શકયતા છે.

(3:29 pm IST)