Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમેરિકન પરમાણુ સબમરીન દક્ષીણ ચીની સાગરમાં અજાણી વસ્તુ સાથે ટકરાઇ

તાઇવાન અને ચીન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ વચ્ચે : યુએસ નેવીના ૧૧ સૈનિકો ઘાયલઃ ન્યુકલીઅર પ્લાન્ટ સુરક્ષીતઃ ચીન ઉપર શંકાની સોય

વોશીંગ્ટન, તા.૮: તાઇવાન અને ચીનમાં યુદ્વ જેવી સ્થિતિની વચ્ચે અમેરિકન નૌસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકાની ઝડપી પ્રહાર કરવામાં સક્ષમ પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન દક્ષિણ ચીન સમુદ્રમાં પાણીની નીચે અજાણી રહસ્યમય વસ્તુ સાથે ટકરાઇ. અમેરિકાએ ગુરૂવારના રોજ કહ્યું કે આ અકસ્માતમાં ૧૧ નૌસૈનિક ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ દરમ્યાન અમેરિકન પરમાણુ સબમરીન આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતા અને પાણીની અંદર આ અકસ્માત થયો છે.

પોતાનો એક સંક્ષિપ્ત નિવેદનમાં અમેરિકન નૌસેનાએ કહ્યું કે USS કનેકટીકટ પરમાણુ સબમરીનના અકસ્માત બાદ સ્થિર સ્થિતિમાં છે અને તેના પરમાણુ પ્લાન્ટને કોઇ નુકશાન થયુ નથી. અમેરિકન નૌસેનાએ એ નથી કહ્યું કે આ અકસ્માત કયાં થયો છે પરંતુ USNI ન્યૂઝના મતે સાઉથ ચાઇના સીમાં આ અકસ્માત થયો છે. તેમાં કમ સે કમ ૧૧ નૌસૈનિકો ઘાયલ થયાની માહિતી સામે આવી રહી છે.

ચીન તાઇવાન અને અન્ય પાડોશી દેશોને સાઉથ ચાઇના સીમાં આંખ દેખાડી રહ્યું છે. ચીનની આ દાદીગીરીને કાબૂમાં કરવા માટે નૌસેના સતત પોતાના એરક્રાફટ કેરિયર અને પરમાણુ સબમરીનને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે. આ અકસ્માત એવા સમયે થયો છે જયારે અમેરિકાએ તેના પર ચિંતા વ્યકત કરી છે કે ચીન તાઇવાનના પ્રત્યે યુદ્વ જેવો માહોલ બનાવી રહ્યું છે.

અમેરિકન નેવીએ કહ્યું કે તેઓ એ મામલાની તપાસ કરી રહ્યા છે કે અકસ્માતનું કારણ શોધી શકાય. અંદાજે ૩૫૩ ફૂટ લાંબી આ સબમરીનને ૧૯૮૮ની સાલમાં કમિશન કરાઇ હતી અને પેટ્રોલિંગ દરમ્યાન તેના પર હમેંશા ચાલક દળના ૧૧૬ લોકો સવાર રહે છે. તેમાં ૧૫ અધિકારી પણ હોય છે. આ પરમાણુ સબમરીન ૪૦ ટારપીડો કે મિસાઇલ લઇ જઇ શકાય છે. આ રહસ્મય અકસ્માત બાદ હવે અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે અને શંકાની સોય ચીન પર ઉઠી રહી છે.

(2:59 pm IST)