Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત : ત્રણ વાહનમાં આગ : બે લોકોના મોત

બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા પણ સળગી ગઈ :રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો

બનાસકાંઠામાં ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો સળગી ગયા હતા. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા પણ સળગી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ બનાવમાં કુલ બે લોકોનાં મોત થયા છે

ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી

જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો કાર પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. આ રીતે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જોકે, બંને ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રિક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા.

આગ એટલી તીવ્ર હતી કે ધૂમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હોવાથી તેમજ તેઓ બહાર ન નીકળી શકતા અફડાતફડી સર્જાઇ હતી.

ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બંને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુક પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

(12:42 pm IST)