Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારતનો દેખાવ છેલ્લાં એક વર્ષમાં કથળ્યો : છ ક્રમ પાછળ ધકેલાઈને ૯૦મા નંબરે સરક્યો

હેનલે ઈન્ડેક્ષમાં ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટનું લિસ્ટ જાહેર: જાપાન અને સિંગાપોર યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે: જર્મની, દક્ષિણ કોરિયાને બીજો, ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, સ્પેનને ત્રીજો, ઓસ્ટ્રિયા, ડેનમાર્કને ચોથો અને ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડનને પાંચમો ક્રમ અપાયો

નવી દિલ્હી :  પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારતનો દેખાવ છેલ્લાં એક વર્ષમાં કથળ્યો હતો. ભારત છ ક્રમ પાછળ ધકેલાઈને ૯૦મા નંબરે પહોંચ્યું હતું. જાપાન અને સિંગાપોર આ યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતા. આ બંને દેશોના પાસપોર્ટ ધારકો સૌથી વધુ ૧૯૨ દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.

હેનલે ઈન્ડેક્ષમાં ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટનું લિસ્ટ જાહેર થાય છે. ક્યા દેશનો પાસપોર્ટ ધારક કેટલા દેશોમાં વિઝા વગર એન્ટ્રી લઈ શકે છે તેના આધારે શક્તિશાળી પાસપોર્ટની યાદી બને છે. જે દેશના નાગરિકો સૌથી વધુ દેશમાં વિઝા વગર જઈ શકે તેને સૌથી શક્તિશાળી પાસપોર્ટ કહેવાય છે અને રેન્કિંગ એ રીતે બને છે.
૨૦૨૧ના નવા લિસ્ટમાં જાપાન-સિંગાપોરને પ્રથમ ક્રમ અપાયો હતો. આ બંને દેશોનું રેન્કિંગ ૧૯૨ હતું. જર્મની, દક્ષિણ કોરિયાને બીજો, ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, સ્પેનને ત્રીજો, ઓસ્ટ્રિયા, ડેનમાર્કને ચોથો અને ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડનને પાંચમો ક્રમ અપાયો હતો.
બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ છઠ્ઠા ક્રમે હતા. બ્રિટન, અમેરિકા, નોર્વે, માલ્ટા, ગ્રીસ, ચેક રિપબ્લિક જેવા દેશોને સંયુક્ત રીતે સાતમો નંબર અપાયો હતો. આ દેશોના પાસપોર્ટ ધારકો દુનિયાના ૧૮૫ દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.
ભારત ગયા વર્ષે આ યાદીમાં ૮૪માં ક્રમે હતું, પરંતુ આ વખતે ૯૦મું રેન્કિંગ મળ્યું હતું. ભારતના નાગરિકો ૫૮ દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે. ભારતની સાથે સંયુક્ત રીતે ૯૦મા ક્રમે તઝાકિસ્તાન, બુર્કિના ફાસોનો સમાવેશ થતો હતો.
ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળના પાસપોર્ટ સૌથી નબળા ગણાવાયા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશો તો સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં છેલ્લેથી ૧૦મા હતા. પાકિસ્તાનનો સ્કોર માત્ર ૩૧ હતો. અફઘાનિસ્તાનને માત્ર ૨૬ પોઈન્ટ્સ મળ્યા હતા.

(9:25 am IST)