Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આઇસક્રીમ પર હવેથી 18 ટકાના દરે જીએસટી લાગશે

આઇસક્રીમ પાર્લરમાં બનાવવામાં આવતી નથી, પરંતુ વેચવામાં આવે છે : રેસ્ટોરામાં બનતા અને પીરસવામાં આવતા પ્રોડક્ટ્સની શ્રેણીમાં ન મૂકી શકાય

નવી દિલ્હીઃ આઇસક્રીમ પર હવેથી 18 ટકાના દરે જીએસટી લાગશે. કેન્દ્રીય પરોક્ષ કર અને સીમા વેરા બોર્ડ (સીબીઆઇસી)એ જણાવ્યું છે કે આઇસક્રીમ પાર્લરમાં બનાવવામાં આવતી નથી, પરંતુ વેચવામાં આવે છે. તેથી તેના પર ૧૮ ટકાના દરે જીએસટી લાગશે. તેથી તેને રેસ્ટોરામાં બનતા અને પીરસવામાં આવતા પ્રોડક્ટ્સની શ્રેણીમાં ન મૂકી શકાય. આના લીધે તેના પર ફક્ત પાંચ ટકા નહીં પરંતુ 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે.

ગયા મહિને જીએસટી કાઉન્સિલની બેઠક થઈ હતી. તેમા 21 વસ્તુઓ પર જીએસટી દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જુદા-જુદા સંગઠનો સાથે સંલગ્ન વસ્તુઓ પર જીએસટી દરોને લઈને સીબીઆઇસી પાસે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

આઇસક્રીમ અંગે બોર્ડે જણાવ્યું હતું કે ભલે તેના વેચાણમાં સેવાના કેટલાક પાસા હોય, પરંતુ પાર્લર કે રેસ્ટોરામાં તેનું કૂકિંગ કરવાની કે રેસ્ટોરામાં તેને પકવવાની કોઈપણ વિધિની ખબર નથી. આઇસક્રીમ કોઈપણ પાર્લર અને રેસ્ટોરામાં બનાવવામાં આવતી નથી, પછી ભલેને તેઓને ત્યાંથી તેનું વેચાણ થતું હોય.

આ પહેલા પાર્લર કે રેસ્ટોરાની અંદર જો તમે આઇસક્રીમ ખાવ તો ફક્ત પાંચ ટકા જીએસટી લાગતો હતો અને ઘરે લઈ જાવ તો 18 ટકા લાગતો હતો. હવે જો તમે આઇસક્રીમ ત્યાં બેસીને ખાવ કે ઘરે લઈ જઈને ખાવ પણ 18 ટકા જીએસટી જ લાગશે. આમ આઇસક્રીમના રસિયાઓ માટે આઇસક્રીમ વધારે મોંઘો થઈ ગયો છે.

(9:25 am IST)