Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 86 રને પરાજય આપી પ્લે ઓફમાં પહોંચ્યું

કોલકતાના 171 રનનાં જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 85 રન બનાવી ઓલઆઉટ : હવે મુંબઈ અંતિમ મેચમાં હૈદરાબાદને હરાવે તો પણ તેના માટે પ્લેઓફનો દરવાજો બંધ

શારજાહઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા ખુબ મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને 86 રને પરાજય આપી પોતાની પ્લેઓફની ટિકિટ પાક્કી કરી લીધી છે. આ જીત સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સના 7 જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે અને તેની નેટ રનરેટ ખુબ સારી છે. હવે મુંબઈ શુક્રવારે રમાનારી પોતાની અંતિમ લીગ મેચ જીતે તો પણ તે પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતા નથી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 4 વિકેટે 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

કોલકત્તાએ આપેલા 172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. યશસ્વી જાયસ્વાલ (0) રન બનાવી શાકિબની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ કેપ્ટન સંજૂ સેમસન (1)ને શિવ માવીએ મોર્ગનના હાથે કેચ કરાવી ટીમને બીજી સફળતા અપાવી હતી. ટીમનો સ્કોર 12 રન હતો ત્યારે લિયામ લિવિંગસ્ટોન 6 રન બનાવી લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. અનુજ રાવત શૂન્ય રને ફર્ગ્યુસનની ઓવરમાં LBW આઉટ થયો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 4 વિકેટે 17 રન બનાવ્યા હતા.

33 રનના સ્કોર પર કોલકત્તાને પાંચમી સફળતા મળી હતી. ગ્લેન ફિલિપ્સ 8 રન બનાવી શિવમ માવીની ઓવરમાં બોલ્ડ થયો હતો. શિવમ દુબે 18 રન બનાવી આઉટ થયો હતો. ક્રિસ મોરિસ શૂન્ય રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. લોકી ફર્ગ્યુસને જયદેવ ઉનડકટ (6)ને આઉટ કરી કોલકત્તાને આઠમી સફળતા અપાવી હતી.

 

ચેતન સાકરિયા માત્ર 1 રન બનાવી રનઆઉટ થયો હતો. રાહુલ તેવતિયા 44 રન બનાવી શિવમ માવીની ઓવરમાં બોલ્ડ થયો હતો. તેવતિયાએ 36 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કોલકત્તા તરફથી શિવમ માવીએ 21 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસનને ત્રણ અને શાકિબ તથા ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી. 

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી કોલકત્તાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. કોલકત્તાના બંને ઓપનરોએ ધીમી શરૂઆત કરી અને પાવરપ્લેમાં વિના વિકેટે 34 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. વેંકટેશ અય્યર 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 38 રન બનાવી રાહુલ તેવતિયાનો શિકાર બન્યો હતો. 

કોલકત્તાના ઓપનર શુભમન ગિલે આજે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગિલે 44 બોલમાં બે સિક્સ અને ચાર ચોગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા. ગિલ ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. નીતિષ રાણા 12 રન બનાવી ગ્લેન ફિલિપ્સની ઓવરમાં આઉટ થો હતો. રાહુલ ત્રિપાઠી 14 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 21 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિક 14 અને કેપ્ટન મોર્ગન 13 રન બનાવી અણનમ રહ્યા હતા. 

(12:00 am IST)