Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભારતની યુવા મહિલા કુસ્તીબાજ અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

૫૭ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં યુરોપીયન ચેમ્પિયન યુક્રેનની સોલોમિયા વ્યાન્નયાકને ૧૧-૦થી પરાસ્ત કરી :વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની

ઓસ્લો : ભારતની યુવા મહિલા કુસ્તીબાજ અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની ગઈ છે. તેણે ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં યુરોપીયન ચેમ્પિયન યુક્રેનની સોલોમિયા વ્યાન્નયાકને ૧૧-૦થી પરાસ્ત કરી હતી. 

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સરિતા મોરે ૫૯ કિગ્રા વજન વર્ગમાં પહેલા જ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિન્ડા મોરાઈસને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.જોકે તે સેમિ ફાઈનલમાં બલ્ગારિયાની યુરોપીયન ચેમ્પિયન બિલીના ઝ્હિવ્કોવા ડયુઓડોવા સામે હારી ગઈ હતી. આ સાથે તે ગોલ્ડની તક ચૂકી હતી. હવે તે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો ખેલશે.

અંશુ મલિક વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશનારી ભારતની માત્ર ત્રીજી કુસ્તીબાજ બની છે. અગાઉ પુરુષ કુસ્તીબાજ સુશીલ કુમાર અને બજરંગ પુનિયા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી ચૂક્યા છે. જ્યારે ભારતની ચાર મહિલા કુસ્તીબાજો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતી ચૂકી છે. જેમાં ગીતા ફોગટ, બબિતા ફોગટ, પૂજા ધાન્દા અને વિનેશ ફોગટનો સમાવેશ થાય છે.

કુસ્તીમાં વર્લ્ડ ચેમ્પિયન હોય તેવો ભારત પાસે એકમાત્ર કુસ્તીબાજ સુશીલ કુમાર જ છે. હવે અંશુ મલિક તેની બરોબરીમાં સ્થાન હાંસલ કરી શકે છે. 

(12:00 am IST)