Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગોરિલાનું તેને બચાવનાર કેરટેકરના ખોળામાં મૃત્યુ

આફ્રિકન દેશ કોંગોની હૃદય સ્પર્શી ઘટના : કેરટેકરના ખોળામાં આખરી શ્વાસો લઈ રહેલી આ માદા ગોરિલાની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ

કિનશાહશા, તા. : આફ્રિકન દેશ કોંગોના નેશનલ પાર્કમાં લાંબી બીમારી બાદ એક ગોરિલાએ પોતાના આખરી શ્વાસ લીધા છે. પોતાના કેર ટેકરના ખોળામાં તેણે દેહ છોડી દીધો છે. કેરટેકરે તેને ૧૪ વર્ષ પહેલા બચાવ્યો હતો.

કેરટેકરના ખોળામાં આખરી શ્વાસો લઈ રહેલી માદા ગોરિલાની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

તસવીર અત્યંત હૃદય સ્પર્શી છે. ૨૦૧૯માં ગોરિલા પોતાના કેરટેકર સાથે લીધેલી સેલ્ફી ભારે વાયરલ થઈ હતી. જેમાં ગોરિલાનો સ્વેગ જોઈને લોકો ખુશ થઈ ગયા હતા.

જોકે એક મહિના પહેલા દાકાસી નામની માદા ગોરિલા માંદી પડી હતી. નેશનલ પાર્કે હવે જાણકારી આપી છે કે, દાકાસીનુ મોત થયુ છે.

આમ તો દાકાસી અનાથ હતી. તેના કેરટેકર આંદ્રે બોમા સાથે તેને દોસ્તી થઈ ગઈ હતી. દાકાસી બે મહિનાની હતી ત્યારે બોમાએ તેને પોતાની મૃત માતાના શરીરને બાઝેલી હાલતમાં જોઈ હતી. તેને રેસ્ક્યુ સેન્ટરમાં લવાઈ હતી અને પછી બોમા તેના કેરટેકર રહ્યા હતા.

નેશનલ પાર્કના કહેવા પ્રમાણે દાકાસી જ્યારે પહેલી વખત બોમાને મળી ત્યારે આખી રાત તેને ગરમી આપવા માટે બોમા પોતાના શરીર સાથે તેને બાઝીને બેસી રહ્યા હતા. દાકાસીને બાદમાં નેશનલ પાર્કમાં લાવવામાં હતી.

દાકાસી પર સંખ્યાબંધ ડોક્યુમેન્ટરી પણ બની છે. બોમા કહે છે કે, હું નસીબદાર છું કે મને દાકાસીની સંભાળ રાખવાનો મોકો મળ્યો હતો.

(12:00 am IST)