Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

હવે રેલવે પ્રવાસીઓ સ્ટેશન પર માત્ર રૂ.પ૦માં હેલ્થ ચેકઅપ કરાવી શકશે

આતંકી ખતરા સામે ઇન્ટિગ્રેટેડ સિકયોરિટી સિસ્ટમ સ્થાપિત કરાશે

નવી દિલ્હી, તા. ૮: ભારતીય રેલવેએ હવે પોતાના કરોડો યાત્રી માટે નવી સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ તમે હવે રેલવે સ્ટેશન પર જ તમારૃં હેલ્થ ચેકઅપ કરાવી શકશો. આ માટે રેલવએ લખનૌ જંકશન પર એક હેલ્થ એટીએમ કિઓસ્ક પણ ઉભું કર્યું છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે આ હેલ્થ એટીએમ કિઓસ્કનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્થ એટીએમ કિઓસ્ક દ્વારા માત્ર રૂા.પ૦ આપીને હેલ્થને લગતી ૧પ બાબતોનું ચેકઅપ કરાવી શકશો.

રેલવે મંત્રાલયે ટિવટ કર્યા અનુસાર માત્ર પ૦ રૂપિયામાં રેલવે પ્રવાસીઓ હવે બોન માસ, બોડી ફેટ, હાઇડ્રેશન, પલ્સ રેટ, હાઇટ, મસલ માસ્ક, શરીરનું ટેમ્પરેચર, ઓકિસજન સેચ્યુરેશન, મસલ મેટાબોલિક રેટિંગ, મસલ કવોલિટી સ્કોર, મેટાબોલિક એજ, સ્ટિોલિક બીપી, વજન અને બોડી માસ્ક ઇન્ડેકસ સહિત અન્ય પેરામીટરની તપાસ કરાવી શકશો.

આ ઉપરાંત રેલવેએ આતંકી ખતરાને ધ્યાનમાં લઇને એક નવું પગલું ભર્યું છે. રેલ્વે સ્ટેશન સંકુલમાં કે ટ્રેનની અંદર શકમંદ આતંકવાદીઓને ઓળખી કાઢવા તેમજ રેલવે સંકુલથી ટ્રેનના ડબાઓ સાથે બિનજરૂરી સામાનની ઓળખ કરવા માટે કેટલાંય રેલવે સ્ટેશન પર ઇન્ટિગ્રેડેડ સિકયોરીટી સિસ્ટમ (આઇએસએસ) અર્થાત એકીકૃત સુરક્ષા પ્રણાલીની સ્થાપના કરવામાં આવી રહી છે.

આરપીએફના ડાયરેકટર જનરલ અરૂણ કુમારે જણાવ્યું હતું કે આરપીએફ અને આરપીએસએફની તહેનાતી ઉપરાંત એક કમાન્ડો બટાલિયન લોન્ચ કરવામાં આવી છે, જેને કોરસ કમાન્ડો તરીકે ઓળખવામાં આવે છે. આરપીએફ મોટા પાયે ટેકનોલોજીનો આ માટે ઉપયોગ કરશે. આઇએસએસ હેઠળ ટ્રેનના કોચ, રેલ્વે સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવાયા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવે છે.

(4:00 pm IST)