Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મોબ લિંચિંગની ઘટનાઓથી દેશ બદનામઃ કોઈ કાયદો હાથમાં ન લ્યે

નાગપુર ખાતે સંઘના ઉપક્રમે વિજયાદશમીની પરંપરાગત રીતે ઉજવણીઃ સંઘના વડા મોહન ભાગવતે મોદી સરકારને વખાણીઃ દેશમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલઃ સરકારે અનેક સાહસિક પગલા લીધાઃ સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યોઃ દેશમાં ઘણા પરિવર્તનો આવ્યાઃ દેશ વધુ સુરક્ષિત થયોઃ દુશ્મનો એકલા પડી ગયાઃ સરકાર પાસે કઠોર નિર્ણય લેવાની ક્ષમતાઃ ચંદ્રયાન-૨એ વિશ્વમાં ભારતનું માન વધાર્યુ

નાગપુર, તા. ૮ :. વિજયાદશમી પ્રસંગે આજે અહીં સંઘના વડામથકે સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કરી દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યુ હતુ કે આવી ઘટનાઓથી દેશ બદનામ થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે ગમે તેટલા મતભેદ હોય કોઈએ કાયદો હાથમા લેવો ન જોઈએ. કાયદો વ્યવસ્થાની સિમાનું ઉલ્લંઘન કરી હિંસાની પ્રવૃતિ સમાજમાં પારસ્પર સંબંધોને નષ્ટ કરવાનું કામ કરે છે. આવી પ્રવૃતિ આપણા દેશની પરંપરા નથી કે ન તો આપણા બંધારણમાં છે. સૌએ ન્યાય વ્યવસ્થા સાથે ચાલવાનું રહેશે. તેમણે જણાવ્યુ છે કે લિંચિંગની આડમાં ષડયંત્ર ચાલી રહ્યુ છે ને સ્વાર્થી તત્વો તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ઘટનાઓ સાથે સંઘને કોઈ લેવા દેવા નથી. આજે સંઘના વડામથકે કેન્દ્રીય મંત્રી ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીશ, એચ.સી.એલ.ના અધ્યક્ષની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરી ઉપસ્થિત સંઘના કાર્યકરોને સંબોધન કરતા મોહન ભાગવતે જણાવ્યુ હતુ કે સરકારમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. દેશમા ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ છે. સરકારે હિંમતપૂર્વકના નિર્ણયો લીધા છે. દેશ હાલ વધુ સુરક્ષિત બન્યો છે અને દેશ હિત માટે સાહસિક અને કઠોર નિર્ણયો જરૂરી હોય છે.

તેમણે જણાવ્યુ હતુ કે, ઉગ્રવાદી ઘટનાઓ ઓછી થઈ રહી છે, ઉગ્રવાદીઓ મુખ્ય ધારામાં પાછા આવી રહ્યા છે. એટલુ જ નહિ આપણા દુશ્મનો પણ એકલા અટુલા પડી ગયા છે. દેશની સીમાઓ પહેલા કરતા વધુ સુરક્ષિત બની છે. તેમણે ચંદ્રયાન-૨ને યાદ કરી કહ્યુ હતુ કે આ મિશનથી વિશ્વમાં ભારતનું માન-સન્માન વધ્યુ છે.

તેમણે કેન્દ્રની મોદી સરકારના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે આપણુ સૌભાગ્ય છે કે દેશનું સુકાન એક સાહસિક અને કઠોર વ્યકિતના હાથમાં છે. જેમણે ૩૭૦ જેવી કલમ હટાવવાનો સાહસિક નિર્ણય લીધો છે. સરકાર પાસે કઠોર નિર્ણયો લેવાની ક્ષમતા છે. જન અપેક્ષાઓને સાકાર કરવા સરકાર પણ પ્રતિબદ્ધ છે.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યુ હતુ કે ૨૦૧૯નું વર્ષ અનેકવિધ નિર્ણયો માટે યાદ રહેશે. નવી સરકાર પ્રત્યે લોકોએ આસ્થા વ્યકત કરી ફરી બહુમતીથી ચૂંટી છે અને સરકારમાં લોકોએ વિશ્વાસ દાખવ્યો છે. સરકારે પણ અનેક મોટા નિર્ણયો લઈ દર્શાવ્યુ છે કે તેને જનભાવનાની સમજ છે.

(11:35 am IST)