Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકારે બનાવી 'કો-ઓપરેટિવ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'

કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડકટ, પ્રોસેસ્ડ ફૂડ, ડાયેટરી સપ્લીમેન્ટ, ફિશરીઝ પ્રોડકટ, હેન્ડલૂમ પ્રોડકટ, હેન્ડીક્રાફટ પ્રોડકસ અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલાં અનેક મોટાં ઉત્પાદનોમાં એકસપોર્ટની અપાર સંભાવનાઓ છેઃ અત્યારે કૃષિ સંબંધિત ઉત્પાદનોની કુલ નિકાસ ૩૦ અબજ ડોલર છે અને તેમાં ૬૦ અબજ ડોલરની સંભાવનાઓ રહેલી છે

નવી દિલ્હી, તા.૮: કો-ઓપરેટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૩ કરોડ ખેડૂત પરિવારો માટે સારા સમાચાર છે. સરકાર આ ખેડૂતોને એક મોટું પ્લેટફોર્મ પુરું પાડવા જઈ રહી છે. અત્યાર સુધી મોટા ખેડૂતો પોતાનાં ઉત્પાદનોને અલગ-અલગ રીતે એકસપોર્ટ કરતા હતા, પરંતુ નાના ખેડૂતો આમ કરી શકતા ન હતા. સરકારે હવે આ સમસ્યાના સમાધાન માટે કો-ઓપરેટિવ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કાઉન્સિલ નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલની આગેવાની હેઠળ કામ કરશે.

કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડકટ, પ્રોસેસ્ડ ફૂડ, ડાયેટરી સપ્લીમેન્ટ, ફિશરીઝ પ્રોડકટ, હેન્ડલૂમ પ્રોડકટ, હેન્ડીક્રાફટ પ્રોડકસ અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલાં અનેક મોટાં ઉત્પાદનોમાં એકસપોર્ટની અપાર સંભાવનાઓ છે. અત્યારે કૃષિ સંબંધિત ઉત્પાદનોની કુલ નિકાસ ૩૦ અબજ ડોલર છે અને તેમાં ૬૦ અબજ ડોલરની સંભાવનાઓ રહેલી છે. આથી નાના અને સિમાન્ત ખેડૂતોને સીધું આંતરરાષ્ટ્રીય માર્કેટ આપવામાં કો-ઓપરેટિવ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

કૃષિ નિષ્ણાત વિજય સરદાનાએ જણાવ્યું કે, 'આપણાં દેશમાંથી કૃષિ ઉત્પાદોની નિકાસ થાય છે, પરંતુ મોટા ખેડૂતો જ તેમાં મુખ્ય ભાગીદાર છે. કેટલીક વખત કવોલિટી અથવા સંબંધિત દેશના નિયમો જાણતા ન હોવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. કેટલીક વખત રિજેકશનનો પણ સામનો કરવો પડે છે. સરકાર નાના ખેડૂતો માટે નિકાસને સરળ કરવાનું વિચારી રહી છે.'

દેશમાં કુલ કો-ઓપરેટિવની સંખ્યા ૮.૫૦ લાખ છે, જેમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલા કો-ઓપરેટિવની સંખ્યા ૨.૩૨ લાખ છે. ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર મળે તેના માટે સરકાર ૧૧ ઓકટોબરથી ૧૩ ઓકટોબર સુધી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કો-ઓપરેટિવ ક્ષેત્રના ખેડૂતોનાં ઉત્પાદનોનો એક આંતરરાષ્ટ્રીય મેળો પણ આયોજિત કરી રહી છે.

(10:03 am IST)