Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કેન્સરને નાથવા માટે નવી શોધ કરનારા ૩ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ

શરીરના કોષો કઈ રીતે ઓકિસજનની ભાળ મેળવે છે અને શરીરમાં ઓકિસજનના સ્તર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેનો અભ્યાસ કરીને કેન્સર, એનિમિયા અને અન્ય રોગોને નાથવા માટે નવીનતમ શોધ કરનારા બે અમેરિકન અને એક બ્રિટિશ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ ઘોષિત કરાયું છે

સ્ટોકહોમ, તા.૮: શરીરના કોષો કઈ રીતે ઓકિસજનની ભાળ મેળવે છે અને શરીરમાં ઓકિસજનના સ્તર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેનો અભ્યાસ કરીને કેન્સર, એનિમિયા અને અન્ય રોગોને નાથવા માટે નવીનતમ શોધ કરનારા બે અમેરિકન અને એક બ્રિટિશ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ ઘોષિત કરાયું છે.

મેડિસીન ક્ષેત્રમાં આ ત્રણેય વિજ્ઞાનીઓ ડો. વિલિયમ જી કાએલિન, ગ્રેગ એલ સેમેન્ઝા તથા પીટર જે રેટકલીફની નોબેલ પ્રાઈઝ માટે પસંદગી થઈ હોવાનું નોબેલ કમિટીએ જણાવ્યું હતું. આ ત્રણેય વિજ્ઞાનીઓને સંયુકત રીતે ૯૧૮૦૦૦ ડોલરનો પુરસ્કાર પ્રાપ્ત થશે. ૧૯૦૧માં પ્રારંભ થયા પછી મેડિસીન કેટેગરીમાં આ ૧૧૦મું નોબેલ પ્રાઈઝ છે.

નોબેલ કમિટીના જણાવ્યા અનુસાર, 'વિજ્ઞાનીઓએ જનીનો કઈ રીતે ઓકિસજનના વિવિધ સ્તરો પ્રત્યે પ્રતિક્રિયા આપે છે તે પ્રક્રિયાને નિયમિત કરતી બાયોલોજિકલ મશીનરીની ભાળ મેળવી છે. જેના કારણે લાલ રકતકણોનું ઉત્પાદન, નવી રકતવાહિનીઓની રચના અને પ્રતિરક્ષા પ્રણાલી વિશે આ મશીનરી પ્રતિક્રિયા આપે છે. કમિટીએ કહ્યું હતું કે આ શોધ મહત્વપૂર્ણ છે કેમકે કેન્સરના કોષો ઓકિસજન રિસ્પોન્સને અટકાવે છે. આ ત્રણેય વિજ્ઞાનીઓની શોધથી આ સમસ્યા દૂર કરવામાં મદદ મળી શકે છે.

આ વર્ષના નોબેલ પ્રાઈઝની ઘોષણા સોમવારથી શરૂ થઈ છે. નોબેલ ફિઝિકસ પ્રાઈઝ મંગળવારે જાહેર થવાનું છે અને તેના પછી બુધવારે કેમિસ્ટ્રી કેટેગરી માટે નોબેલ પ્રાઈઝ જાહેર કરાશે. આ વખતે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે એમ બંને લિટરેચર પ્રાઈઝ ગુરૂવારે જાહેર થશે જયારે પીસ પ્રાઈઝની ઘોષણા શુક્રવારે થવાની છે. ઈકોનોમિકસ કેટેગરી માટે નોબેલ પ્રાઈઝ તેના પછી ૧૪ ઓકટોબરે જાહેર થશે.

(10:01 am IST)