Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

PM મોદીની સલાહ પર અમૂલ ઉંટડીના દૂધનું વેચાણ શરૂ કરશે

નવી દિલ્‍હી તા. ૮ : અમૂલના નવા ચોકલેટ પ્‍લાન્‍ટના ઉદ્‍ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉંટડીના દૂધની ખાસિયત ગણાવી હતી. વડાપ્રધાન મોદીની સલાહ પર અમલ કરતા અમૂલ ટૂંક સમયમાં ઉંટીડીના ફલેવર્ડ દૂધને ભારતમાં લોંચ કરવા જઇ રહ્યું છે. આ વર્ષે દિવાળીના તહેવારોમાં કંપની અમદાવાદના બજારમાં પ્રથમ વખત ઉંટડીનું દૂધ લોન્‍ચ કરશે. શરૂઆતમાં ઉંડટીના દૂધને ૫૦૦ મિલીની પેટ બોટલમાં લોન્‍ચ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, અમૂલ અત્‍યારે ઉંટના દૂધમાંથી આવતી એક અલગ પ્રકારની ગંધના ઉકેલ માટે કામ કરી રહ્યું છે. ગંધ મુક્‍ત કરવાની સાથે જ અમૂલ દૂધને પીવા માટે વધુ તંદુરસ્‍ત બનાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. આ પહેલી વખત હશે કે ઉંટડીનું દૂધ ભારતમાં મોટા પ્રમાણમાં વેંચાશે. અત્‍યારે માત્ર રાજસ્‍થાન,  મધ્‍યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં સ્‍થાનિક રીતે આ દૂધ વેંચવામાં આવે છે. વિદેશોમાં પહેલેથી જ તે ખૂબ પ્રચલિત છે.

હાલમાં ચોકલેટ બનાવવા માટે અમૂલ કચ્‍છથી આવનારા ઉંટના દૂધને પ્રોસેસ કરે છે. હાલમાં અમૂલ કંપની ૧ હજારથી ૧૫૦૦ લિટર ઉંટડીનું દૂધ ભેગું કરે છે. કંપની આ વખતે ઉંટડીના દૂધનો વ્‍યવસાય વ્‍યવસાયિક આધાર પર શરૂ કરવા માટે કામ કરી રહી છે. ડિસેમ્‍બર ૨૦૧૮ સુધીમાં એક દૂધ કોર્પોરેટિવ યુનિટ કચ્‍છમાં ઉંટના દૂધનું પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે. ઉંટ પાલકોથી અહીં દૂધ પહોંચાડવા સાથે તેને અમદાવાદમાં વેંચી શકાશે. બીજી તરફ ભૂજ વિસ્‍તારની નજીક બનનારા ઉંટના દૂધની પ્રોસેસિંગ યુનિટની ક્ષમતા ૨૦ હજાર લિટર દૂધની પ્રોસેસ કરવાની હશે.

(4:52 pm IST)