Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વડા પ્રધાન પદ માટે શરદ પવાર ખેલશે છેલ્લો દાવ

લોકસભા ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય

નવી દિલ્‍હી તા.૮: આગામી લોકસભા ચૂંટણીથી દૂર રહીને એનસીપી પ્રમુખ શરદ પવાર વડાપ્રધાન પદ માટે પોતાનો અંતિમ રાજકીય દાવ ખેલશે. આજ કારણે ૭૭ વર્ષના શરદ પવારે ચૂંટણી લડવાના બદલે પોતાને ક્ષેત્રીય પક્ષોના વર્તુળમાં મુકવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી, એચડી દેવગોૈડા સહિત ઘણા બિન ભાજપા, બિન કોંગ્રેસી નેતાઓને આ વખતે ક્ષેત્રીય પક્ષોના નામે વડા પ્રધાન પદની લોટરી લાગવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, પવાર ગઇ લોકસભા ચૂંટણીમાં પોતાની પુત્રી સુપ્રિયા ફુલેને રાજકારણમાં સ્‍થાપિત કરવા માટે પોતાની પરંપરાગત અમરાવતી બેઠક છોડી દીધી હતી.

જુદા-જુદા રાજયોમાં ભાજપા વિરૂદ્ધ ગઠબંધનની બની રહેલી શકયતા અને કોંગ્રેસની નબળી સ્‍થિતિના કારણે ક્ષેત્રીય દળોની આશાઓ મજબુત બની છે. ક્ષેત્રીય દળોના નેતાઓનું માનવું છે કે જો ભાજપાને બહુમતી નહીં મળે તો તેમના નામની લોટરી નિકળી શકે છે. આવી સ્‍થિતિમાં વડા પ્રધાન પદે તે જ આવી શકે જેના નામ પર વધારે ક્ષેત્રીય પક્ષોની સંમતી હોય. આજ કારણ છે કે પવાર મમતા બેનર્જીની સાથે લોકસભા ચૂંટણીની બહુ પહેલા ક્ષેત્રીય દળોને ભેગા કરવાની કસરત કરી રહયા છે.

પવારના ખાસ નેતાઓનું કહેવું છે કે જો ભાજપાને બહુમતી નહીં મળે તો ક્ષેત્રીય પક્ષોની સાથે કોંગ્રેસનો ટેકો વડા પ્રધાન પદ માટે મહત્‍વની ભૂમિકા ભજવશે. પવારની કોંગ્રેસમાં પણ ઘુસ છે અને કેટલાક ક્ષેત્રીય પક્ષોના પ્રમુખો તેમના મિત્રો છે. આજ કારણ છે કે પવારે લોકસભા ચૂંટણી લડવાને બદલે પોતાને બિન ભાજપી પક્ષોને એક કરવાની કસરતમાં લગાવી દીધા છે. આમ પણ ૭૭ વર્ષના પવાર પાસે હવે આ લોકસભા ચૂંટણી પછી કોઇ રાજકીય મોકો નથી.

(12:45 pm IST)