Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જબલપુર : રોડ શોમાં બ્‍લાસ્‍ટ : સદનસીબે બચી ગયા રાહુલ ગાંધી

એક કાર્યકર્તા ભીડમાં બલૂન્‍સ લઇને આવ્‍યો : જેમાં અચાનક જ વિસ્‍ફોટ થયો હતો અને આગની જ્‍વાળાઓ નીકળવા લાગી હતી

ભોપાલ તા. ૮ : મધ્‍યપ્રદેશમાં ચૂંટણી રેલી કરી રહેલા કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન તે સમયે ભયનું વાતાવરણ સર્જાયું હતું, જયારે તેમની કારની નજીક જ બલૂન્‍સમાં વિસ્‍ફોટ થયો હતો. પોલીસ અને સુરક્ષાકર્મીઓએ તરત જ સ્‍થિતિને અનુલક્ષીને હાલત કાબૂમાં કરી હતી.

દેશની મુખ્‍ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધી જબલપુર જિલ્લામાં શનિવારે રોડ શો કરી રહ્યાં હતાં. તે કારની ખુલ્લી છતની ઉપર રહીને લોકોનું અભિવાદન કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક કાર્યકર્તા ભીડમાં બલૂન્‍સ લઈને આવ્‍યો. જેમાં અચાનક જ વિસ્‍ફોટ થયો હતો અને આગની જવાળાઓ નીકળવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અચાનક થયેલી આ ઘટનાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું અને કારની ઉપર ઉભા રહેલા રાહુલ ગાંધી પણ નીચા નમી ગયાં હતાં. કેટલીક સેકન્‍ડ્‍સ સુધી કોઈને સમજમાં જ નહોતું આવ્‍યું કે આખરે શું થયું હતું. આ દરમિયાન પોલીસ અને એસપીજીએ સ્‍થિતિ સંભાળી હતી. પોલીસ કર્મચારી અમિત સિંહે જણાવ્‍યું કે, ‘અમે ચેક કર્યું છે સુરક્ષામાં કોઈ રીતની ચૂક અથવા હુમલા જેવી ઘટના નહોતી. કોઈને ગંભીર ઈજા પણ થઈ નથી.'

લોકોએ રાહુલના સ્‍વાગત માટે ફુગ્‍ગા રાખ્‍યાં હતાં. આ દરમિયાન એક કાર્યકર્તા હાથમાં થાળી લઈને આગળ વધ્‍યો હતો. જે ફુગ્‍ગાઓને અડી હતી અને ધમાકો થયો હતો. નોંધનીય છે કે આવતા વર્ષે થનારી સામાન્‍ય ચૂંટણી પહેલા થનારી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી સેમી ફાઈનલ તરીકે જોવાઈ રહી છે.

(10:45 am IST)