Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જમ્‍મુ-કાશ્‍મીર : સ્‍થાનિક ચૂંટણીઓમાં ત્રાસવાદીઓની ધમકી - બહિષ્‍કાર છતાં સવારથી મતદાન માટે લાઇનો

રાજ્‍યમાં ૧૩ વર્ષ બાદ ચૂંટણી થઇ રહી છે

શ્રીનગર તા. ૮ : ત્રાસવાદીઓની ધમકી અને કેટલાક રાજકીય પક્ષોના બહિષ્‍કાર વચ્‍ચે આજે જમ્‍મુ-કાશ્‍મીરની સ્‍થાનિક ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. ધમકી - બહિષ્‍કાર છતાં ઠેર-ઠેર લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે.

જમ્‍મુ કાશ્‍મીરમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. પ્રદેશમાં ૧૩ વર્ષ પછી આ ચૂંટણી થઇ રહી છે. આજે કેટલાક વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘાટીના કેટલાક વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટની સ્‍પીડ 4Gથી ઘટાડીને 2G કરી દેવામાં આવી છે.

ચાર તબક્કામાં થનારી ચૂંટણીમાં આજે ૧૬ નિગમમાં મતદાન થશે. પહેલા ચરણમાં આશરે એક ડઝન જિલ્લામાં ૪૨૨ વોર્ડમાં મતદાન થઇ રહ્યું છે.

પહેલા ચરણમાં ૧૨૮૩ ઉમેદવાર મેદાનમાં છે. પહેલા ચરણમાં જમ્‍મુના ૨૪૭ વોર્ડ, કાશ્‍મીરમાં ૧૪૯ અને લદ્દાખના ૨૬ વોર્ડમાં ચૂંટણી થઇ રહી છે.

આ એકમોમાં ચૂંટણી થઇ રહી છે પરંતુ લોકોમાં આ અંગે જાણકારી વધારે નથી. મહત્તમ લોકો પોતાના ઉમેદવારોને પણ ઓળખતા નથી અને મતદાનની તારીખની પણ જાણ નથી તેવી ફરિયાદો ઉઠી હતી. શ્રીનગર નિવાસી સુહૈબ એહમદે જણાવ્‍યું કે તેમના વોર્ડના લોકો નથી જાણતા કે આ વખતે તેમના ઉમેદવારો કોણ કોણ છે.

બીજી તરફ મુખ્‍ય પ્રાદેશિક પક્ષ પીપલ્‍સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્‍ફરન્‍સ (એનસી)એ યુએલબી ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) તેમ જ કોંગ્રેસ વચ્‍ચે જ સીધેસીધો મુખ્‍ય ચૂંટણી જંગ યોજાશે. ચાર તબક્કાના યુએલબી અને સુધરાઈના ચૂંટણી જંગ માટે ૩૩૭૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જમ્‍મુ-કાશ્‍મીરમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલાં જ પાકિસ્‍તાન દ્વારા ગડબડી કરવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. સેનાના એક સૂત્રે જણાવ્‍યું કે ઘાટીમાં અત્‍યારે અંદાજે ૩૦૦ આતંકી સક્રિય છે. આ ઉપરાંત ૨૫ આતંકી લોન્‍ચ પેડ પર રાહ જોઇ રહ્યાં છે. સૂત્રોએ તે પણ કહ્યું કે આતંકીઓએ ઘૂસણખોરી કરીને જમ્‍મુ-કાશ્‍મીરમાં પ્રવેશીને આતંકી ગતિવિધિને અંજામ આપવાની તાકમાં છે. સેનાના ઉચ્‍ચ અધિકારીએ કહ્યું કે આ સમાચાર બાદ સેના એલર્ટ પર છે અને આતંકી મંસૂબાને નષ્ટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આતંકી હુમલાની આશંકાને ધ્‍યાનમાં રાખતા આર્મી, પોલીસ, સીઆરપીએફ સહિત તમામ સુરક્ષાબળોએ પોતાની સક્રિયતા વધારી દેવામાં આવી છે.

(10:40 am IST)