Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

દેશમાં ૩૦ ટકા વાહનોની પરમિટ બોગસ

કેન્‍દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કર્યું સનસનાટી ફેલાવનારૂં નિવેદન

નાગપુર તા. ૮ : દેશમાં ૩૦ ટકા વાહનોની પરમિટ બોગસ છે એવું ચોંકાવનારૂં નિવેદન કર્યા બાદ કેન્‍દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગઇકાલે કહ્યું હતું કે, ‘આરટીઓમાં કેવો ભ્રષ્‍ટાચાર ચાલે છે અને વાહનોને કેવી રીતે પરમિટ આપવામાં આવે છે એની બધી જ વિગતો મારી પાસે છે. આ ભ્રષ્‍ટાચારને બંધ કરવાનું મારૂં લક્ષ્ય છે, પરંતુ ભ્રષ્‍ટ ઓફિસરો કેટલાક સંસદસભ્‍યોના માધ્‍યમથી લોબિંગ કરાવીને વ્‍યવહારમાં પારદર્શકતા લાવવા દેતા નથી.'

ગઇકાલે નીતિન ગડકરી નાગપુરમાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્‍સ ડીલર્સ એસોસીએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવ્‍યા હતા અને ત્‍યારે બોલતા તેમણે કહ્યું હતું કે, ‘વાહનોને પરમિટ કેવી રીતે આપવામાં આવે છે અને એ પરમિટ અપાવવા માટે તમે ડીલરો શું કરો છો એની બધી જ માહિતી મારી પાસે છે. કોઇ પણ જાતની ચકાસણી વગર જ પરમિટ આપી દેવામાં આવતી હોવાથી દેશમાં દર વર્ષે પાંચ લાખ એક્‍સિડન્‍ટ થાય છે. આ એક્‍સિડન્‍ટમાં દોઢ લાખ વાહનચાલકોના મોત થાય છે.'

આરટીઓ અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વ્‍યાપેલા ભ્રષ્‍ટ કારભારને રોકવા માટે કેન્‍દ્ર સરકાર પ્રયત્‍ન કરી રહી હોવાનું જણાવતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મોટર વેહિકલ એકટમાં કેટલાક સુધારા કરવાનો ખરડો લોકસભામાં મંજૂર થઇ ગયો છે અને આગામી અધિવેશનમાં રાજ્‍યસભામાં મંજુર થયા બાદ ભ્રષ્‍ટાચારને રોકી શકાશે.

(10:39 am IST)