Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો : હાર્દિક પટેલ

હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્વિટ કર્યું : હાર્દિકના અનશન ચાલુ છે અને અન્ન તેમજ પાણી લીધું નથી : હાર્દિકના બ્લડપ્રેશરથી લઇને તમામ રિપોર્ટ નોર્મલ

અમદાવાદ, તા.૭ : સોલા સિવિલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે ચોંકાવનારૂ ટ્વીટ કર્યું હતું. હાર્દિકે ટ્વીટમાં લખ્યું કે, આમરણ ઉપવાસ આંદોલનના ૧૪મા દિવસે મારી તબિયત કથળતા મને અમદાવાદની સોલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને કિડનીને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. જો કે, હજુ સુધી ભાજપ રાજયના ખેડૂતો અને પાટીદાર સમુદાયની માંગણીઓ મામલે સંમત નથી. હાર્દિકના આ ટવીટ્ને લઇ પાટીદાર સમાજ, કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઇ હતી. હાર્દિકને અચાનક દાખલ કરવા અંગે સ્પષ્ટતા કરતાં તેના સાથી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી.

હાર્દિકનું અનશન હજુ ચાલુ છે. હાર્દિકે હજુ સુધી અન્ન કે પાણી પણ લીધું નથી. હાર્દિકે હજુ સુધી પાણીનું ટીપું પણ લીધું નથી. હાર્દિકે ૨૦ કલાકથી પાણી જ પીધું નથી. નબળા સ્વાસ્થ્ય સાથે સમાજની સેવા ન થઇ શકે. હાર્દિકનાં ઉપવાસ યથાવત જ છે. પાસ સમિતિએ હાર્દિકને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય કર્યોછે. લોકોની લાગણીને ધ્યાને રાખીને હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. દરમ્યાન હાર્દિકને સોલા સિવિલહોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો સોલા સિવિલમાં ઉમટયા હતા. જો કે, સુરક્ષા અને વ્યવસ્થાપનના કારણોસર પોલીસે તમામને પ્રવેશદ્વાર બહારજ અટકાવ્યા હતા અને અમુક લોકોને જ હાર્દિક સુધી જવા દેવાની પરવાનગી આપી હતી. બીજી બાજુ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે સંપૂર્ણ સહકાર તબિબોને આપ્યો છે. હાર્દિકના બ્લડપ્રેશરથી લઇને પલ્સ સુધીના તમામ રિપોર્ટ નોર્મલ રહ્યા છે.

(8:33 pm IST)