Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઉત્તરપ્રદેશના નોઇડા ઓથીરિટી ટીમે ઓમેક્‍સ સોસાયટીમાં મહિલા સાથે ગેર વર્તણુંક કરનાર નેતા શ્રીકાંત ત્‍યાગીના ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવ્‍યુ

મેન્‍ટેનન્‍સ ચાર્જ અને ઓથોરિટીના નોટીસને પણ રોકાવી દેતો

નોઇડાઃ ઉત્તરપ્રદેશના નોઇડામાં મહિલા સાથે ગેર વર્તણુંક કરનાર નેતા શ્રીકાંત ત્‍યાગીના ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધુ છે.

ઉત્તર પ્રદેશની નોઇડા ઓથોરિટી ટીમે ઓમેક્સ સોસાયટીમાં પહોચીને મહિલા સાથે ગેરવર્તણૂંક કરનારા નેતા શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર દબાણ પર હથોડો ચલાવવાનું શરૂ કર્યુ છે. આરોપી ત્યાગીએ પોતાની ફ્લેટની આસપાસ ગેરકાયદેસર દબાણ કર્યુ હતુ. ખુદને ભાજપના નેતા ગણાવનારા શ્રીકાંત ત્યાગી સોસાયટીનો મેન્ટેનન્સ ચાર્જ પણ આપતો નહતો અને ઓથોરિટીની નોટિસને પણ રોકાવી દેતો હતો.

શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર નિર્માણની ફરિયાદ 2019થી સોસાયટીમાં રહેતા લોકો કરતા હતા પરંતુ પોતાના હોદ્દાને કારણે તે કબજો હટાવવા તૈયાર નહતો. આજે તેનું ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યુ તો સોસાયટીમાં રહેતી મહિલાઓએ તાળી વગાડીને નોઇડા ઓથોરિટીની કાર્યવાહીનું સ્વાગત કર્યુ હતુ. નોઇડા પોલીસ કમિશનર આલોક સિહે જણાવ્યુ કે શ્રીકાંત ત્યાગી પર ગેન્ગસ્ટર એક્ટ લગાવી દેવામાં આવી છે. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની લોકેશન બદલી રહ્યો છે. નોઇડા પોલીસની ટીમ તેના સંભવિત ઠેકાણા પર સતત વોચ રાખી રહી છે. જલ્દી તેની ધરપકડ કરવામાં આવશે અને પીડિતાની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે.

ઓમેક્સ ગ્રેન્ડ સોસાયટીની સુરક્ષાનો કોન્ટ્રાક્ટ જે પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો હતો તેનું લાઇસન્સ કેન્સલ કરવા માટે નોઇડા પોલીસે પત્ર લખ્યો છે. મહત્વપૂર્ણ છે કે સોસાયટીના લોકોએ ગાર્ડ્સ પર એક્શન ના લેવાનો આરોપ લગાવ્યો છે. સોસાયટીના લોકોનો આરોપ હતો કે ત્યાગીનો કોઇ પરિચિત છે, જેને કારણે ત્યાગીના ગેરકાયદેસર નિર્માણ પર એક્શન લેવામાં આવતુ નહતું.

(6:11 pm IST)