Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ફોનના વોટ્‍સએપ પર +92 નંબર પરથી કોલ આવે તો કોલ ડિટેઇલ્‍સ શેર કરવી નહીં: છેતરપીંડીનો ભોગ બની શકાય

વારંવાર કોલ આવે તો આ નંબર બ્‍લોક કરવોઃ લોટરી કે ઇનામનું પ્રલોભન આપી આપની સાથે ફ્રોડ થઇ શકે

નવી દિલ્‍હીઃ મોબાઇલના વોટ્‍સએપ પર આપ પર ઇનામ કે લોટરી લાગી હોવાની લાલચ આપી તમારી ડિટેઇલ્‍સ માંગતા ફ્રોડ કોલ +92 નંબર પરથી આવી શકે છે. ગભરાવવાની જરૂર નથી પરંતુ આપ આપની માહિતી શેર કરશો નહીં, વારંવાર કોલ આવે તો નંબર બ્‍લોક કરી દેશો.

દુનિયામાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ માટે સૌથી પ્રખ્યાત એપ છે વ્હોટ્યેપ. આ એપ લોકોને અનેક રીતે ઉપયોગી થાય છે. પરંતુ એજ સમયે કેટલાક લોકો વ્હોટ્સેપની આડમાં છેતરપિંડી આચરતા હોય છે. હાલ વ્હોટ્સેપમાં એક નવો સ્કેમ ચાલી રહ્યો છે. ઘણા લોકોને +92 કોડવાળા મોબાઈલ નંબરમાંથી વ્હોટ્સેપ કોલ્સ આવી રહ્યાં છે. વ્હોટ્સેપ પર આવનારા આ કોલ્સ દ્વારા યુઝર્સને લોટરી અથવા ઈનામ જીતવાના જાંસા આપવામાં આવે છે. આ કારણે કેટલાક યુઝર્સ પોતાની પર્સનલ ડિટેઈલ્સ અને બીજી અગત્યની માહિતી શેર કરી દેતા હોય છે. જેના કારણે આખરે તેમને જ નુકસાન થાય છે.

તમને જણાવી દઈએ કે +92એ પાકિસ્તાનનો કોડ છે. ભારતનો કોડ+91 છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ કોલ પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણી વખત આવા નંબરો પણ વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી એક્સેસ કરી શકો છો. આ કારણે એ જરૂરી નથી કે તમામ કોલ પાકિસ્તાનથી જ આવી રહ્યા હોય.

જ્યારે તમને 92 દેશના કોડ નંબર પરથી કોલ આવે ત્યારે આ કામ કરો-

જો તમને +92ના કોડ નંબર પરથી પણ WhatsApp પર કોલ આવી રહ્યા છે, તો તમારે આવા કૉલને અવગણવા જોઈએ. આ સિવાય તે નંબર પર જવાબ આપીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ન કરો. કેટલીકવાર સ્કેમર્સ તેમની ડીપી ખૂબ સારી દેખાડી શકે છે. જેના કારણે ઘણા યુઝર્સ તેમની યુક્તિમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં, +92 દેશના કોડ નંબર પરથી આવતા અજાણ્યા કોલનો જવાબ ન આપવાનો પ્રયાસ કરો.

જો તમને વારંવાર કોલ આવી રહ્યા હોય તો તમે સીધા જ આવા નંબરને બ્લોક કરી શકો છો. આવી સ્થિતિમાં, તમને ફરીથી તે નંબર પરથી કોલ અથવા મેસેજ નહીં આવે. તમે આવા નંબરની જાણ પણ કરી શકો છો. આ માટે કંપની ફીચર્સ આપે છે. જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો વિલંબ કર્યા વિના સાયબર સેલમાં તમારી ફરિયાદ નોંધાવો.

(6:11 pm IST)