Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

૨૦૧૨ કરતા ૨૦૨૨માં ૧૮-૧૯ વર્ષની વય જુથનાઃ પ્રથમવારના મતદારોમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો

૧૮ થી ૪૯ વર્ષની વયજૂથના મતદારો ૧૫.૫ ટકા વધ્યા : ૨૦૧૨માં ૧૮-૧૯ વર્ષની વયના ૧.૩૪ લાખ ફર્સ્ટ ટાઇમ વોટર્સ હતાઃ ૨૦૨૨માં ઘટીને ૧.૧૨ લાખ

નવી દિલ્હી, તા.૮: ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૨૨માં, ૧૮-૧૯ વર્ષના વયજૂથના પહેલીવાર મતદાન કરનાર મતદારોની સંખ્યામાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. મતદાર યાદીના આંકડાઓ દર્શાવે છે કે ૨૦૧૨માં ૧૮-૧૮ વર્ષના પહેલીવાર મતદાન કરનાર મતદારોની સંખ્યા ૧.૩૪ લાખ હતી જે ૨૦૨૨માં ઘટીને ૧.૧૨ લાખ થઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૧૭ થી ૨૦૨૨) પહેલીવાર મતદાન કરનારા ૯.૬ ટકા ઘટીને ૧.૨૪ લાખમાંથી ૧.૧૨ લાખ થયા છે. જયારે અન્ય વયજૂથના મતદારોની સંખ્યામાઙ્ગવધારો થયો છે. ૧૮-૪૯ વર્ષના વયજૂથની સંખ્યા એક દાયકામાં ૨.૮૨ કરોડથી વધીને ૩.૨૬ કરોડ થઇ છે, જે ૧૫.૫ ટકાનો વધારો દર્શાવે છે.

મતદારોની સંખ્યામાં સૌથી મોટો વધારો ૫૦ થી વધારેના વયજૂથમાં છેલ્લા દાયકામાં થયો છે. ૨૦૧૨માં તેમની સંખ્યા ૯૮.૫૬ લાખ હતી જે ૨૦૨૨માં ૫૯.૬ ટકા વધીને ૧.૫૭ કરોડ થઇ ગઇ છે.

ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારીની કચેરીના સુત્રોએ કહ્યું કે રાજયમાં પહેલીવાર મતદાન કરતા મતદારો નામ નોંધાવવામાં ઉદાસીનતા દાખવે છે. ઉંમરલાયક વ્યકિતઓની સવલત માટે ચુંટણી પંચ અવારનવાર નિયમીત રીતે જાહેરાતો કરે છે. સુત્રોએ કહ્યું કે ૫૦ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા નોંધાપાત્ર રીતે વધી છે.

અધિકારીઓએ કહ્યું કે ૫૦ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યામાં વધારાની વર્ષવાર સરખામણી કરીએ તો ૨૦૧૨ થી ૨૦૧૯ વચ્ચે ૧૦.૭૩ લાખ અને ૨૦૧૯ થી ૨૦૨૨ વચ્ચે ૨૨.૦૧ લાખ મતદારો વધ્યા છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે છેલ્લા દાયકામાં સૌથી મોટો વધારો ૮૦ થી વધુના વયજૂથમાં જોવા મળ્યો છે. આ વયજૂથના મતદારો ૨૦૧૨માં ૪.૨૬ લાખ હતા જે ૨૦૨૨માં વધીને ૧૦.૬૬ લાખ થયા છે જે ૧૫૦.૬ ટકાનો વધારો દર્શાવે છે. જો સંખ્યાની રીતે જોઇએ તો સૌથી વધુ વધારો ૫૦-૫૯ વયજૂથમાં જોવા મળ્યો છે. આ વયજૂથના મતદારોની સંખ્યા એક દાયકામાં ૧૮.૦૧ લાખ વધી છે તેના પછી આવતા ૪૦-૪૯ વર્ષના વયજૂથના મતદારોની સંખ્યામાં ૧૭.૪ લાખનો વધારો થયો છે

(1:06 pm IST)