Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સોમવારે મુંબઈમાં ધોધમાર વરસાદ તૂટી પડશે ! : આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મુંબઈ, પાલઘર અને થાણેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા : ત્રણેય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

મુંબઈ તા.07 : ભારતીય હવામાન વિભાગે 2005 પછી સમગ્ર દેશમાં આ વર્ષના જુલાઈ મહિનાને સૌથી ભીનો મહિનો જાહેર કર્યો હતો. જે બાદ હવે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના પ્રકાશન મુજબ, આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ અને થાણેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રે રવિવારે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 8 ઑગસ્ટ, 9 ઑગસ્ટ અને 10 ઑગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ત્રણેય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવાર, 7 ઑગસ્ટના રોજ સાંજે 6 વાગ્યા સુધી, દક્ષિણ મુંબઈમાં 5.55 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મુંબઈના પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 24.17 મીમી અને 23.27 મીમી વરસાદ નોંધાયો હતો.

થાણે મહાનગર પાલિકા (TMC)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)એ જણાવ્યું કે 7 ઑગસ્ટના રોજ થાણે શહેરમાં 18.27 મીમી વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના રાયગઢ પ્રદેશમાં પણ બે દિવસ માટે રેડ એલર્ટ છે.

મુંબઈ છેલ્લા કેટલાક દિવસોથી ગરમ અને ભેજવાળી સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે, જેના કારણે મહત્તમ તાપમાન 27° સેથી વધીને 32 ° સે થઈ ગયું છે.

(11:52 pm IST)