Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દાઉદ, લશ્કર અને જૈશ પર IS જેવી કાર્યવાહી થવી જોઇએઃ ભારત

પાકને બેનકાબ કરીને સમસ્યાના સમાધાનના પાંચ ઉપાયો બતાવ્યા

નવી દિલ્હી, તા., ૮: ચીનની મદદથી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાના પ્રયાસોમાં લાગેલા પાકિસ્તાનને સફળતા તો ન મળી પણ ભારતે પાકિસ્તાનમાં ફાલી ફુલી રહેલા આતંકવાદી સંગઠનોને ચોક્કસ ફરી એક વાર દુનિયા સામે લાવી દીધા છે. ભારતે વિશ્વ સમુદાયને આગ્રહ કર્યો છે કે જે રીતે કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટ (આઇએસ)ના ખાતમા માટે સંયુકત કાર્યવાહી કરાઇ હતી. તેવી  રીતે કાર્યવાહી પાકિસ્તાનમાં વસેલા દાઉદ ઇબ્રાહીમ અને તેની ડી કંપની, લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો પર થવી જોઇએ.

ભારતે આવી માંગણી મુકીને પાકિસ્તાનને એ જણાવી દીધુ છે કે ટુંક સમયમાં જયારે તે સુરક્ષા પરીષદમાં અસ્થાયી સભ્ય તરીકે સામેલ થશે ત્યારે તેની પ્રાથમીકતા શું હશે. સંયુકત રાષ્ટ્રમાં આતંકવાદ અને સંગઠીત અપરાધ વિષય પર ચાલી રહેલ ચર્ચામાં ભારતે પાકના આતંકવાદી ચહેરાને બેનકાબ કરતા આ સમસ્યા સામે લડવાના પાંચ ઉપાયો બતાવ્યા.

ભારતીય પ્રતિનિધિએ પોતાના ભાષણમાં કહયું વર્તમાન સમયમાં આઇએસ વિરૂધ્ધ સંયુકત કાર્યવાહીના સકારાત્મક પરીણામો મળ્યા છે. આ કામયાબીથી જાણવા મળે છે કે જો દુનિયા એક સાથે થાય તો ખુંખાર આતંકવાદી સંગઠનો પર પણ કાબુ મેળવી શકાય છે. આજ પ્રકારની કાર્યવાહી ડી-કંપની, લશ્કર અથવા જૈશ-એ-મોહમ્મદ પર થાય તો માનવતાનું ભલુ થશે.

ભારતે બીજી વાત એ કરી કે જે કોઇ દેશ પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવા દે છે તેના વિરૂધ્ધ કડક કાર્યવાહીની વ્યવસ્થા કરવામાં આવે. આ અંગે સુરક્ષા પરીષદ તરફથી પ્રસ્તાવ પાસ પણ થઇ ચુકયો છે કે દરેક દેશે આના માટે પગલા લેવા પડશે. ભારતે ત્રીજી અને ચોથી  વાત ફાઇનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)બાબતે કહી કે કઇ રીતે તેના માળખાને વધુ મજબુત બનાવવાની જરૂર છે. આ ઇશારો પણ પાકિસ્તાન તરફ હતો.

ભારતે પાંચમી વાત આંતરરાષ્ટ્રીય સહયોગ ટેકનીકલ રીતે વધારવાની કરી જેનાથી આતંકવાદીઓ અને તેમના સંગઠનો આતંકવાદી સંગઠનો અને સંગઠીત અપરાધના તાલમેલનો પોતાને સૌથી અસરગ્રસ્ત દેશ ગણાવ્યો છે. ભારતે કહયું કે ૧૯૯૩માં મુંબઇ હુમલામાં ૨૫૦ લોકોના મોત થયા હતા. પણ હુમલાનું ષડયંત્ર રચનાર દાઉદ ઇબ્રાહીમ આજે પણ આરામથી પાડોશી દેશમાં રહી રહયો છે અને તેને બધી સુવિધાઓ આપવામાં આવી છે.

(3:24 pm IST)