Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

નવી શિક્ષણનીતિથી ટ્યુશન કલાસ ઉપર આવશે લગામ

દર વર્ષે પ્રાઇવેટ ટ્યુશન પાછળ રૂ. ૨૫૦૦૦ કરોડનો ખર્ચ કરે છે ભારતીય પરિવારો : સર્વેક્ષણ

પહેલાના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને અભ્યાસ માટે માત્ર શાળામાં જ મોકલતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોને ખાનગી ટ્યુશન અપાવવાનો ટ્રેન્ડ પણ વધી ગયો છે

નવી દિલ્હી,તા.૮ : ભારતીય પરિવારો સ્કૂલમાં ભણતા પોતાના બાળકોના ખાનગી ટ્યુશન પાછળ આશરે ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચે છે. શિક્ષણ મંત્રાલયના ડેટા એનાલિસિસ અને NSO રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આમાં પ્રવેશ પરીક્ષાઓ માટે કોચિંગનો સમાવેશ થતો નથી અને માત્ર પ્રી-પ્રાઈમરીથી ઉચ્ચત્ત્।ર માધ્યમિક સ્તર સુધી બાળકો ઝડપથી સ્કૂલના પુસ્તકોમાંથી શીખી લે તે માટે ખર્ચ કરવામાં આવેલી રકમ છે.

આ સંદર્ભમાં કહીએ તો, આ રકમ કેન્દ્ર સરકારના શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગને ફાળવેલા કુલ ૫૯,૮૪૫ કરોડ રૂપિયાના બજેટના ત્રીજા ભાગ કરતા વધુ છે.

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિકમાં અભ્યાસ કરતા બાળકોના પરિવારો તેમના  ટ્યુશન પાછળ ૬ હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે જયારે ઉચ્ચ પ્રાથમિક (અથવા મધ્યમ શાળા) વર્ગમાં વાર્ષિક ખર્ચ ૫,૪૦૦ કરોડ કરતાં વધારે છે.

નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ (NSO)ના ૨૦૧૭-૧૮ના શિક્ષણ પરના સર્વે અને હાલ સ્કૂલમાં અલગ-અલગ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આંકડા પરના શિક્ષણ વિભાગના ડેટાને જોડીને આ સંખ્યાઓ સામે આવી છે. મંત્રાલયના આંકડામાં પ્રી-પ્રાઈમરી વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા નથી. છતાં તેમના વગર કુલ ખર્ચ ૨૪,૦૮૧ કરોડ રૂપિયા થાય છે.

સર્વે દર્શાવે છે કે, ઉચ્ચત્ત્।ર માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થી દીઠ ખાનગી કોચિંગ પાછળ સરેરાશ ૨,૫૧૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ આવા ટ્યુશન લે છે.

માધ્યમિક સ્તરે વિદ્યાર્થી દીઠ સરેરાશ વાર્ષિક ખર્ચ ૧,૬૩૨ રૂપિયા જેટલો ઓછો છે, પરંતુ ટ્યુશન લેનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ અહીં ૩૦% કરતા વધારે છે. અપર પ્રાઈમરી માટે વિદ્યાર્થી દીઠ ૮૪૫ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જયારે પ્રાથમિક સ્કૂલ માટે ૫૦૨ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પ્રી-પ્રાઈમરી લેવલ પર પણ ખાનગી ટ્યૂટર્સને રાખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી દીઠ ખર્ચ ૩૦૦ રૂપિયા છે.

આંકડા તે પણ દર્શાવે છે કે, શાળાકીય શિક્ષણ માટે વાલીઓ દ્વારા થતો સરેરાશ ખર્ચ લગભગ ૧.૯ લાખ રૂપિયા છે. જેમાંથી આશરે અડધી રકમ સ્કૂલ ફીમાં ખર્ચાય છે, જયારે પુસ્તકો પર ૨૦ ટકા ખર્ચ કરવામાં આવે છે. શિક્ષણના કુલ ખર્ચનો ૧૩ ટકા ભાગ ખાનગી કોચિંગમાં જાય છે.

(11:55 am IST)