Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વિમાન દુર્ઘટના : બાળકોની ચીસો, મુસાફરોના તૂટેલા હાથ-પગ, લોહીથી લથબથ કપડાં અને વિખેરાયેલો સામાન

અનેક સ્થાનિક લોકો પણ અવાજ સાંભળી એરપોર્ટ તરફ દોડયા હતા

 કોઝિકોડ તા. ૮ : દુબઇથી આવી રહેલું એક ઇન્ડિયા એકસપ્રેસનું એક વિમાન શુક્રવારે સાંજે કેરળના કોઝિકોડ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. દુર્ઘટના થતા જ આ આખો વિસ્તાર મદદ માટેની બૂમો, લોહીથી લથબથ કપડાં, રડી રહેલા બાળકો અને એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. એર ઇન્ડિયા એકસપ્રેસનું વિમાન કોઝિકોડ એરપોર્ટના રન વે પરથી લપસી ગયુ હતું અને નજીકની ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકયું હતું. આ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયા છે.

વરસાદ વચ્ચે સ્થાનિક લોકો અને પોલીસકર્મીઓએ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. આ લોકોએ ઘાયલ પુરુષો અને મહિલાઓને બહાર કાઢવા માટે સ્ફૂર્તિ બતાવી હતી. વિમાન પ્રચંડ અવાજ સાથે બે ટૂકડામાં વિભાજીત થઈ ગયું હતું. અંદર બેઠેલા મુસાફરોને સમજાયું નહીં કે સેકન્ડમાં શું થઈ ગયું. દુર્ઘટના બાદ આખા વિસ્તારમાં દર્દ અને મદદની બૂમો સાંભળી શકાતી હતી.

 બચાવકર્મીઓએ ઘાયલ લોકોને પ્લેનમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન નાના બાળકો બચાવકર્મીઓને વળગી પડ્યા હતા. મુસાફરોનો તમામ સામાન અહીં અને ત્યાં પડ્યો હતો. મોટો અવાજ સાંભળ્યા બાદ સ્થાનિક લોકો એરપોર્ટ તરફ દોડી ગયા હતા. બચાવ અભિયાનમાં સામેલ એક વ્યકિતએ જણાવ્યું કે, પાયલટને કોકપીટ તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો.

એક સ્થાનિક વ્યકિતએ જણાવ્યું કે અવાજ સાંભળીને તે એરપોર્ટ તરફ દોડ્યો હતો. 'નાના બાળકો સીટ નીચે ફસાયેલા હતા, આ ખરેખર દુઃખદ હતું. અનેક લોકો ઘાયલ હતા. તેમાંથી અનેકની હાલત ગંભીર હતી. અનેક લોકોનાં હાથ-પગ તૂટી ગયા હતા. મારા કપડાં ઘાયલોના લોહીથી રંગાઈ ગયા હતા.'

 વિમાને ક્રેશ પહેલા બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. કેરળના કોઝિકોડ નજીક કરીપુર એરપોર્ટ ખાતે રન વે પરથી સ્લીપ થઈને ક્રેશ થયેલા એર ઇન્ડિયા એકસપ્રેસ વિમાને ક્રેશ થતા પહેલા બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. ખૂબ જ પ્રસિદ્ઘ ફલાઇટ ટ્રેકર વેબસાઇટ પરથી આ માહિતી સામે આવી છે. કોમર્શિયલ ફલાઇટનું રિયલ ટાઇમ ટ્રેકિંગ કરતી સ્વિડનની Flightradar24 પ્રમાણે બોઇંગ 737 NG કે જે દુબઈથી આવી રહ્યું હતું તેણે એરપોર્ટની આસપાસ અનેક ચક્કર લગાવ્યા હતા અને ભારે વરસાદને પગલે રન વે પર લેન્ડિંગ કરવાનો બે વખત પ્રયાસ કર્યો હતો.

 DGCAના ડિરેકટર અરૂણ કુમારે જણાવ્યું હતું કે, 'વિમાન બરાબર લેન્ડ થઈ શકયું ન હતું. લેન્ડિંગ સમયે ખૂબ વરસાદ પડી રહ્યો હતો, આથી તેણ રન વે પરથી લપસીને ૩૫ ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું હતું.'

(11:09 am IST)