Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજસ્થાન રાજકીય કટોકટી

પાયલોટ જુથના ધારાસભ્યોને ગુજરાત લાવવા તૈયારી

૧૨ ધારાસભ્યોને પહેલા સાસણ-ગીર લઇ જવાના હતા પણ તે દુર હોવાથી બાવળાના રિસોર્ટમાં રખાશે

નવી દિલ્હી તા. ૮ : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલોટ જુથના ૧૨ જેટલા ધારાસભ્યોને અમદાવાદ નજીક બાવળાના એક રિસોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે.

જુલાઇના મધ્ય સુધી પાયલોટ જુથના ધારાસભ્યો દિલ્હી નજીકના માનેસરના રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. હવે સલામત એવા ગુજરાતમાં તેઓને મોકલવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં ૧૪મીએ વિધાનસભામાં શકિત પરીક્ષણ થવાનું છે. જેમાં સીએમ ગેહલોટ બહુમતી પુરવાર કરવાના છે.

અગાઉ એવું નક્કી થયું હતું કે ધારાસભ્યોને સાસણ-ગીર ખાતે નવા બંધાયેલા રિસોર્ટમાં લઇ જવા પણ સાસણ-ગીર રાજસ્થાનથી દુર હોવાથી અમદાવાદ નજીક રાખવા નિર્ણય લેવાયો.

રાજસ્થાનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે વિધાનસભા સત્ર પહેલાં ભાજપમાં ડરનો માહોલ હોવાનું ચર્ચામાં છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ રાજસ્થાન ભાજપમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના ડરને કારણે અમુક ધારાસભ્યોને ગુજરાત ખસેડ્યા છે.

અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર હોવાને કારણે ભાજપ અમુક ધારાસભ્યોને ગુજરાત મોકલવાનું સુરક્ષિત માને છે.

બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા, તે અંગેની અરજી પર ૧૧ ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે.

ઇન્ડિયા ટુડે સૂત્રોને ટાંકતાં લખે છે કે જો આ ધારાસભ્યોનાં સભ્યપદ રદ થાય તો કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકે છે.

આ પહેલાં બુધવારે પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યાં હોવાનું જાણવા મળે છે.

જોકે આ આખા પ્રકરણમાં તેમની ચૂપકીદી અંગે અનેક પ્રકારે રાજકીય અર્થઘટન કરવામાં આવી રહ્યા છે.

આ અહેવાલ મુજબ ભાજપના પાંચ ધારાસભ્યોને ઉદયપુરથી ગુજરાત શિફટ કર્યા હોવાનું જણાવાયું છે, જેમાં અમૃતલાલ મીણા, બાબુલાલ ખરાડી, ધર્મનારાયણ જોશી, ફૂલસિંહ મીણા અને પ્રતાપ ગામેતી સામેલ છે.

જોકે ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને ગુજરાત નથી ખસેડવામાં આવ્યા.

(10:12 am IST)