Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

શરમજનક ઘટના! પ્રેમલગ્ન અંગે ખાપ પંચાયતની વિચિત્ર સજા, યુવતીને જાહેરમાં મારી, કપડાં ફાડ્યાં

પંચાયતનું મન ન ભરાતા તેમણે મહિલાને પ્રેમ લગ્ન કરવાના આરોપમાં ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું ફરમાન કરી દીધું હતું

 બાંસવાડા,તા.૮ :  રાજસ્થાનના બાંસવાડામાં કાયદાને બાજુ પર મૂકીને એક ખાપ પંચાયતમા જે થયું તે અંગે જાણીને તમને હેરાન થઈ જશો. એક યુવતીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવું ખૂબ જ ભારે પડ્યું હતું. પ્રેમ લગ્નથી નારાજ ખાપ પંચાયતે મહિલાને જાહેરમાં માર માર્યો હતો.

 આટલાથી પંચાયતનું મન ન ભરાતા તેમણે મહિલાને પ્રેમ લગ્ન કરવાના આરોપમાં ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું ફરમાન કરી દીધું હતું. આ દંડની રકમ વસૂલી દરમિયાન મહિલાને ઘરમાંથી ઢસડીને બહાર લાવી અને તેને કપડાં પણ ફાડ્યા હતા.

 મહિલાને પંચાયત વચ્ચે જ ખરાબ રીતે લાતો અને ફેંટોથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અવાવરૂ જગ્યાએ ફેંકીને લોકો ત્યાંથી જતા રહ્યા હતા. ગામના લોકોએ આનો વીડિયો બનાવ્યો હતો. જે પાછળથી વાયરલ થયો હતો. આની જાણકારી જીલ્લા વિધિક સેવા સચિવને મળ્યા બાદ તેને જિલ્લાના એસપીને જાણ કરી હતી.

 એસપીના આદેશ બાદ ગુરુવારે મોડી રાત્રે પોલીસે આ મામલે સાત લોકો વિરુદ્ઘ એફઆઈઆર નોંધાવી છે. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ગામના લોકો યુવકના પ્રેમ લગ્ન કરવાથી નારાજ હતા. યુવતીએ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

 પોલીસે મામલો નોંધાવ્યા બાદ આ ઘટનામાં દરેક આરોપી ફરાર થયા હતા. જેને પકડવા પોલીસે અનેક જગ્યાઓ ઉપર તપાસ ચાલું કરી છે.

(10:11 am IST)