Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ભારતમાં રૂ. ૨૨૫માં મળશે કોરોનાની વેકસીન

સીરમ ઇન્સ્ટીટયૂટ દ્વારા ૧૦ કરોડ ડોઝ માટે કરાર : ડિસે.ના અંત સુધીમાં રસી આવી જશે

નવી દિલ્હી,તા.૮ : લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેકસીનને લઈને મોટી વાત સામે આવી છે. સીરમ કંપનીએ કોવિડ-૧૯ વિરુદ્ઘ તૈયાર કરવામાં આવી રહેલી વેકસીનની કિંમત નક્કી કરી લીધી છે. કંપનીએ કહ્યું છે કે તે ભારત અને મધ્યમ તથા ઓછી આવક ધરાવતા દેશો માટે વેકસીનના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરશે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોરોનાની વેકસીન બનાવવા માટે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. ઓકસફોર્ડ કોરોનાની વેકસીન બનાવી રહ્યું છે અને અત્યાર સુધી તેની ટ્રાયલમાં સારા પરિણામ મળ્યા છે. સીરમે શુક્રવારે આ વેકસીનની કિંમત કેટલી હશે તે જાહેર કર્યું છે. સીરમના જણાવ્યા પ્રમાણે ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ વેકસીનની કિંમત ૩ ડોલર એટલે કે અંદાજીત ૨૨૫ રૂપિયા રહેશે.

સીરમે ગાવિ અને ધ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે. સીરમનું કહેવું છે કે આ જોડાણથી તેમની કોરોનાની વેકસીનના ડોઝ બનાવવાની ક્ષમતા વધી જશે અને તે વધારે વેકસીનનું ઝડપથી ઉત્પાદન કરી શકશે. કંપની ભારતની સાથે સાથે ઓછી તથા મધ્યમ આવક ધરાવતા દેશો માટે પણ વૈકસીન તૈયાર કરશે.

આ જોડાણ બાદ ગેટ્સ ફાઉન્ડેશન ગાવિને ૧૫ કરોડ ડોલર એટલે કે અંદાજીત ૧,૧૨૫ કરોડ રૂપિયાનું રિસ્ક ફંડિંગ કરશે. એટલે કે જો વેકસીન અંતિમ ટ્રાયલમાં નિષ્ફળ રહેશે તો ત્યાં સુધી બનેલી વેકસીનનો ખર્ચો ગાવિ ઉઠાવશે. એટલે કે જો વેકસીન બની ગઈ પરંતુ તે નિષ્ફળ રહી તો તેનો ખર્ચ કંપનીને ઉઠાવવો પડશે નહીં. રિસ્ક ફંડિંગ અંતર્ગત ગાવિ તે ખર્ચ ઉઠાવશે.

(10:10 am IST)