Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પ્રથમ ૬ દિવસમાં જ સૌથી વધુ નવા કેસ જોવા મળ્યા

આ મહિને કોરોનાએ તોડ્યો રેકોડ : વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાતા ચિંતા

ભારતે અમેરિકા,બ્રાઝિલને પાછળ રાખી દીધું : મહારાષ્ટ્ર, તમિલનાડુ બાદ આંધ્રમાં ટેન્શન

નવી દિલ્હી,તા.૮ : ઓગસ્ટ મહિનામાં ભારત દુનિયામાં કોરોના હોટ સ્પોટ સાબિત થઈ રહ્યું છે. આ મહિના દરમિયાન દેશમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે, જે અમેરિકા અને બ્રાઝિલમાં નોંધાયેલા કેસો કરતા વધુ છે. ઓગસ્ટના પહેલા ૬ દિવસમાં કોરોનાથી નોંધાયેલા મોતમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરનો દેશ બન્યો છે.

શુક્રવારે પણ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, દેશમાં સતત બીજા દિવસે ૬૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે, આ સાથે ૯૨૬ લોકોના વાયરસના કારણે મોત થયા છે. worldometers.info મુજબ ઓગસ્ટ મહિનાના પહેલા ૬ દિવસમાં દેશમાં ૩,૨૮,૯૦૩ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જયારે આ સમય દરમિયાન અમેરિકામાં ૩,૨૬,૧૧૧ અને બ્રાઝિલ ૨,૫૧,૨૬૪ કેસ નોંધાયા છે.

ઓગસ્ટના ૬ દિવસમાંથી ૪ દિવસ દરમિયાન ભારતના કેસ દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધારે રહ્યા હતા, જે તારીખ છે ૨,૩,૫ અને ૬ ઓગસ્ટ. ભારતમાં કુલ કેસની સંખ્યા ગુરૂવારે ૨ મિલિયન (૨૦ લાખ)ને પાર થઈ ગઈ છે. ૨૦ લાખ કેસ સાથે ભારતમાં ઈન્ફેકશન રેટ ૩.૧% છે જે અમેરિકા અને બ્રાઝિલ કરતા વધુ છે.

અમેરિકા અને બ્રાઝિલ બન્નેમાં ઓગસ્ટ મહિના દરમિયાન ૬૦૦૦ કરતા વધુ મોત નોંધાયા છે જયારે ભારતમાં આ આંકડો ૫,૦૭૫ રહ્યો છે.

શુક્રવારે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સતત ૧૦,૦૦૦ કરતા વધુ નવા કેસ નોંધાયા છે. આ સિવાય ૫ રાજયોમાં નવા કેસોએ રેકોર્ડ તોડ્યો છે. જેમાં બિહારમાં ૩,૬૪૬, તેલંગાણામાં ૨,૨૦૭, ઓડિશા ૧,૮૩૩, પંજાબમાં ૧,૦૬૩ અને મણીપુરમાં ૨૪૯ કેસ નોંધાયા છે.

સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્રમાં ૧૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે, શુક્રવારે અહીં ૩૦૦ કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. રાજયમાં વધુ ૧૦,૪૮૩ કેસ નોંધાયા છે અને ૩૦૦ લોકોના મોત થયા છે, આ સાથે કુલ કેસનો આંકડો ૪,૯૦,૨૬૨ પર પહોંચ્યો છે, જયારે કુલ મૃત્યુઆંક ૧૭,૦૯૨ થયો છે. રાજયમાં નોંધાયેલા કુલ કેસમાં મુંબઈના કેસની ટકાવારી શુક્રવારે ૮.૨% રહી, શહેરમાં સતત બીજા દિવસ ૧૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા, જે આંકડો ૮૬૨ રહ્યો હતો. પાછલા ૧૦ દિવસમાં નોંધાયેલા તાજા કેસમાં શુક્રવારનો આંકડો સૌથી નીચો રહ્યો છે, આ સાથે શહેરમાં કોરોના પર ધીમે-ધીમે કંટ્રોલ આવી રહ્યો છે.

આંધ્રપ્રદેશમાં શુક્રવારે વધુ ૮૯ લોકોના મોત નોંધાયા અને ૧૦,૧૭૧ નવા કેસ નોંધાયા છે, આ સાથે આ ત્રીજુ રાજય બન્યું છે જેણે કુલ ૨ લાખ કેસનો આંકડો પાર કર્યો છે. રાજયમાં કુલ કેસનો આંકડો ૨,૦૬,૯૬૦ થયો છે, જેની આગળ મહારાષ્ટ્ર અને તામિલનાડુ છે.

આંધ્રપ્રદેશમાં ૧૨ માર્ચ, એટલે કે લગભગ ૧૩૫ દિવસ અગાઉ પહેલો કેસ નોંધાયો હતો જે બાદ ૨૭ જુલાઈના રોજ કુલ કેસનો આંકડો ૧ લાખને પાર થઈ ગયો છે. જોકે, આ પછી માત્ર ૧૧ દિવસમાં જ બીજા એક લાખ કેસ નોંધાઈ ગયા છે.

પાછલા ૫૨ દિવસમાં પહેલીવાર ચેન્નાઈમાં ૧૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. જયારે તામિલનાડુમાં સૌથી વધુ ૧૧૯ લોકોના મોત નોંધાયા છે. રાજયમાં નોંધાયેલા ૫,૮૮૦ કેસમાંથી ચેન્નાઈમાં ૯૮૪ કેસ નોંધાયા છે, આ સાથે રાજયના કુલ કેસનો આંકડો ૨,૮૫,૦૨૪ થયો છે જયારે ૪,૬૯૦ લોકોના મોત થઈ ગયા છે. એકિટવ કેસનોં આંકડો ૫૨,૭૫૯ છે.

(10:10 am IST)