Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બે મહિનાના બાળકે કોરોનાને હરાવ્યો, માતાનું દૂધ બન્યુ સહારો

મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિત બે મહિનાનું બાળક માત્ર માતાના ધાવણથી જ સ્વસ્થ થયું : આ બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને ડોકટર્સનો આભાર માન્યો હતો

ભોપાલ,તા.૮ : મધ્ય પ્રદેશના છતરપુરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જયાં દૂધ પીતા બે મહિનાના બાળકે કોરોના સામેની લડાઈ જીતી લીધી છે. રસપ્રદ વાત એ છે કે આ બાળકને માત્ર માતાનું દૂધ જ પીવડાવવામાં આવ્યું. ડોકટરોએ માતાના દૂધને જ કોરોના સામે હથિયાર બનાવી દીધું. હકીકતમાં પર્યટન નગરી ખજુરાહોના કોવિડ સેન્ટરમાં થોડા દિવસો પહેલા બે મહિનાનું એક બાળક કોરોના સંક્રમિત મળી આવ્યું હતું.

કોવિડ સેન્ટરના પ્રભારી ડોકટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ૨૦થી ૨૨ જુલાઈની વચ્ચે પરિવાર બે મહિનાના બાળક સાથે દિલ્હીથી ખજુરાહો આવ્યો હતો. બાળકની માતા એક મહિના પહેલા જ દિલ્હીમાં કોરોના પોઝિટિવ થઈને સ્વસ્થ થઈ ચૂકી હતી અને ખજુરાહોમાં આવ્યા બાદ પરિવારનું ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું હતું

ખજુરાહોમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ બાળક અને તેની માતાને ખજુરાહોના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, જેમાં બાળકની માતાની ડાયેટ પર ધ્યાન રાખવામાં આવ્યું અને બાળકને માત્ર માતાના દૂધનું જ સ્તનપાન કરાવાયું.

સતત ડોકટર્સની દેખરેખમાં બાળકનું ધ્યાન રાખવામાં આવ્યું. આ વચ્ચે ગુરુવારે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બાળકને કોવિડ કેર સેન્ટરમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે, પરંતુ હજુ તે ડોકટર્સની દેખરેખમાં છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને લખ્યું હતું, માતાની મમતાની આગળ આ દુનિયાની બીજું કશું નથી. ખજુરાહોમાં એક નવજાત શિશુને માત્ર માતાના દૂધ પર નિર્ભર રહીને કોવિડ-૧૯ને હરાવ્યો. કોવિડ કેર સેન્ટરના પ્રભારી ડો. વિનીત શર્મા અને સમગ્ર સ્ટાફ શુભેચ્છાને પાત્ર છે જેમણે આ બાળકની દેખરેખ માટે ખાસ વ્યવસ્થા કરી અને તેને પૂર્ણ સ્વસ્થ કર્યું.

(10:09 am IST)