Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

આર્ટિકલ ૩૭૦ પર પાકિસ્તાને આખી દુનિયા પાસેથી માંગી મદદ, કોઈએ ન આપ્યો સાથ

સૌથી પહેલા આ મામલે પાકિસ્તાને મલેશિયા અને તુર્કી પાસેથી મદદ માંગી હતીઃ જે બાદમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો

નવી દિલ્હી, તા.૮: જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણય મામલે પાકિસ્તાન વિશ્વના દેશો પાસે મદદ માંગી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈપણ દેશે આશ્વાસન સિવાય બીજું કંઇ પાકિસ્તાનને આપ્યું નથી. બ્રિટને બુધવારે કહ્યુ કે તેણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવી દેવાના નિર્ણય પર ભારત સમક્ષ પોતાની ચિંતા વ્યકત કરી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે તેમણે પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે વાતચીત કરી છે, અને અઠવાડિયાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાના ભારતના નિર્ણય અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે, મારી નિમણૂક બાદ મેં બે વખત ભારતીય વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે, મેં બુધવારે તેમની સાથે વાતચીત કરી છે.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે કહ્યુ કે, 'અમે સ્થિતિને લઈને અમુક ચિંતા વ્યકત કરી છે અને શાંતિની વાત કરી છે. સાથે સાથે ભારત સરકારની નજરથી પણ આ મુદ્દાને સમજયો છે.'

આ પહેલા વિદેશ અને જ્ઘ્બ્ ના એક પ્રવકતાએ કહ્યું હતું કે બ્રિટન આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, અને તે સ્થિતિને શાંતિ રાખવાના પક્ષનું સમર્થન કરે છે.

બ્રિટનની સંસદ આ મુદ્દે બે ભાગમાં વહેંચાયેલી છે. કાશ્મીર અંગે ઓલ પાર્ટી પાર્લિયામેન્ટ ગ્રુપના અમુક સભ્યોએ ચિંતા વ્યકત કરી છે તો અમુક લોકોએ ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

(11:53 am IST)