Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

STT અેકત્ર કરવાની જવાબદારીના મુદ્દે સ્ટોક બ્રોકર્સ દ્વારા હાઇકોર્ટમાં અપીલઃ ૧૩મી ઓગસ્ટે સુનાવણી

મુંબઇઃ ડેરિવેટિવ્ઝની ફિઝિકલ ડિલિવરી પરનો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) એકત્ર કરવાની જવાબદારીના મુદ્દે સ્ટોક બ્રોકર્સે હાઈ કોર્ટમાં અપીલ કરી છે. મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જે આ જવાબદારી બ્રોકર્સ પર નાંખી છે.

એનએસઇએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં CBDTના સ્પષ્ટતાને કારણે વધારાનો એસટીટી ચૂકવવાનો થાય તે માટે બ્રોકર્સ જવાબદાર રહેશે. બ્રોકર્સે આરોપ મૂક્યો છે કે એનએસઇ અને સેબી ટેક્સના મુદ્દે સ્પષ્ટતા વગર પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે.

એસોસિયેશન ઓફ નેશનલ એક્સ્ચેન્જ મેમ્બર ઓફ ઇન્ડિયા (ANMI)એ સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. ANMIના જણાવ્યા અનુસાર સ્ટોક ડેરિવેટિવ્ઝના ફિઝિકલ સેટલમેન્ટ પરના એસટીટીના દર અંગે કોઈ સ્પષ્ટતા નથી. બોમ્બે હાઈ કોર્ટમાં આ કેસની સુનાવણી 13 ઓગસ્ટે થશે.

એનએસઇએ 26 જુલાઈથી શેરોની ફિઝિકલ ડિલિવરી માટે 0.10 ટકા એસટીટી લાદવાનો 17 જુલાઈએ આદેશ આપ્યો હતો. તેને પરિપત્રમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) પશ્ચાત્‌વર્તી અસરથી એસટીટી લાદે તેવા કિસ્સામાં પૂર્વતૈયારીના ભાગરૂપે તે બાકી રકમ એકત્ર કરી રહ્યું છે. CBDTના આદેશને આધારે ભાવિ જવાબદારી મેમ્બર્સે પૂરી કરવાની રહેશે.

બ્રોકર્સે એનએસઇના આ પરિપત્ર સામે સ્ટે મેળવવા માટે સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલ (એસએટી)માં અપીલ કરી હતી. જોકે આ અપીલનો નિકાલ કરતાં એસએટીએ જણાવ્યું હતું કે બ્રોકર્સે યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી જોઈએ. ANMIઓ એનએસઇના આ પરિપત્રને ગેરકાનૂની, અયોગ્ય અને આપખુદ ગણાવ્યો છે.

આ મુદ્દે એનએસઇ અને બીએસઇને કરવામાં આવેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. એક્સ્ચેન્જના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સેબીના પરિપત્રને આધારે આ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે અને તેઓ એસટીટીના રેટ અંગેની અસ્પષ્ટતા અંગે માહિતગાર છે.

એક્સ્ચેન્જના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે સ્ટોક ડેરિવેટિવ્ઝના ફિઝિકલ સેટલપમેન્ટ પરના એસટીટી અંગે સ્પષ્ટતા માંગવા સેબી અને CBDTનો સંપર્ક કર્યો હતો. જોકે CBDTએ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝને કેશ માર્કેટ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરવામાં આવે તેવી નવી લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ માટે હાલના ધારામાં કોઈ જોગવાઈ નથી.

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શેર માટેના સમીક્ષા માળખા સંબંધિત 11 એપ્રિલ 2018ના સેબીના પરિપત્ર બાદ એનએસઇએ 46 શેરોને અલગ તારવ્યા હતા. આ શેરોમાં ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની જુલાઈ સિરીઝની એક્સ્પાયરી બાદ ફરજિયાત ફિઝિકલ સેટલમેન્ટ થશે. AMNIના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં પશ્ચાત્‌વર્તી અસરથી એસટીટી એકત્ર કરવાનું અવ્યવહારુ છે, કારણ કે ગ્રાહકો આવે છે અને જાય છે.

ક્લાયન્ટ પાસે એસટીટીના રેટ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ, જેથી બ્રોકર્સ તેની રકમ એકત્ર કરીને એક્સ્ચેન્જમાં જમા કરાવી શકે છે. આ ઉપરાંત આવા કોન્ટ્રાક્ટ માટે લાગુ પડતા વાસ્તવિક એસટીટીને આધારે મેમ્બર્સ-બ્રોકર્સે કોન્ટ્રાક્ટ નોટ તૈયાર કરવી પડે છે.

(6:58 pm IST)