Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરૂણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે : મદ્રાસ હાઇકોર્ટ

પૂર્વ મુખ્યપ્રધાનની અંતિમવિધિ તેમના રાજકીય ગુરૂ સી.એન.અન્નાદુરાઇની સમાધીની બાજુમાં કરવામાં આવશે

ચેન્નાઇ તા. ૮ : તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ કરવામાં આવશે. જે અંગેની સ્પષ્ટતા મદ્રાસ હાઈકોર્ટે કરી છે. આ અંગે આજે સવારથી જ મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કરુણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યા છે. DMK પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનિધિનું ૯૪ વર્ષની ઉંમરે મંગળવારે સાંજે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતાં અને કાવેરી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. કાવેરી હોસ્પિટલના ડોકટર્સે જણાવ્યું કે, 'તમામ પ્રયાસો છતાં અમે કરૂણાનિધિને બચાવી નથી શકયા. એમ. કરૂણાનિધિએ મંગળવારે સાંજે ૬.૧૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.'

મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકારના વિરોધને નકારતા કરુણાનિધિની અંતિમવિધિ મરીના બીચ પર કરવાની મંજૂરી આપી દીધી છે. પૂર્વ મુખ્યપ્રધાનની અંતિમવિધિ તેમના રાજકીય ગુરુ સી.એન. અન્નાદુરાઈની સમાધીની બાજુમાં કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, DMKના નેતા અને રાજયના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને પ્રોટોકોલનો તર્ક રજૂ કર્યો હતો. રાજય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાનના અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરી શકાય નહીં. જોકે હાઈકોર્ટે તેમની દલિલ માન્ય રાખી નહતી.

(3:46 pm IST)