Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હવે લોકો પર આવકવેરા વિભાગની ડીઝીટલ નજર

કરદાતાઓના દરેક વ્યવહાર પર વિભાગની નજરઃ રીટર્ન સ્ક્રુટીનીમાં ૧૫૦ ટકા ઘટાડો થશે

નવીદિલ્હી તા.૮: આવકવેરા વિભાગ તમારા દરેક જમા અને ઉધાર પર ડીઝીટલ નજર રાખશે. જેના લીધે ઓછા દરોડામાં વધુ ટેક્ષ ચોરી પકડવી શકય બનશે. વિભાગે ટેકનીકની મદદથી સ્ક્રુટીની ની જાળ એટલી ફેલાવી છે કે રીટર્ન જમા કરાવતા પહેલાં જ હિસાબ-કિતાબ સીસ્ટમમાં મળી જાય છે.

સુત્રોએ જણાવ્યું છે કે આવકવેરા વિભાગ આ વર્ષે સ્ક્રુટીનીમાં ઘટાડો કરશે. ગયા વર્ષે ૧ ટકાની સામે આ વર્ષે ૦.૩૫ ટકા કેસમાં સ્ક્રુટીની થશે.

સુત્રોનું માનીએ તો વિભાગ હવે આ નીતિ પર ચાલે છે કરદાતા જો ઇમાનદારીથી પૈસા કમાઇને વાપરે છે તે રીટર્નની સ્ક્રુટીની નહીં કરાય. જેના લીધે રીટર્ન ફાઇલ કર્યા પછી વિભાગ તરફથી નોટીસ આવવાની ઝંઝટ નહીં રહે.

માહિતીઓની જાળ

 છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગ ટેકનીકલી મજબુત થયેલ છે અને એવી વ્યવસ્થા ગોઠવાઇ છે જેના કારણે વિભાગને કરદાતાઓની બધી લેવડ-દેવડ અને જમા ઉધારની માહિતી બીજા સ્ત્રોતો દ્વારા મળી જાય છે.

આવકવેરા વિભાગના નિયમ ૧૧૪ ડી.અને ૧૧૪ ઇ માં આવતી નાણાકીય લેવડ દેવડની જાણકારી વિભાગની કોમ્પ્યુટર સીસ્ટમમાં સીધી પહોંચી જાય છે. એટલે આ માહિતીને આધારભુત ગણવામાં આવશે અને રીટર્નની સ્ક્રુટીનીમાં લગભગ ૧૫૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં પાનકાર્ડનો ઉપયોગ થતો હોય તેવી દરેક લેવડ દેવડ આ નિયમ હેઠળ આવે છે.

બેંકીંગ લેવડ દેવડ, પ્રોપર્ટી ખરીદ વેચાણની માહિતી

 આવકવેરા વિભાગ સ્ક્રુટીનીનું કામ કોમ્પ્યુટર આસીસ્ટેન્ડ સ્ક્રુટીની સીલેકશન સીસ્ટમ દ્વારા કરે છે, વિભાગ પાસે બધી જાતની બેંક લેવડ-દેવડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને શેરોનું ખરીદ વેચાણના આંકડા હાજર હોય છે. ક્રેડીટ, ડેબીટ કાર્ડ અને પેમેન્ટ એપ્લીકેશન દ્વારા થતી લેવડ દેવડની માહિતી પણ વિભાગ પાસે પહોંચી જાય છે.(૧.૧૦)

(11:33 am IST)