Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમેરિકામાં ધૂમ મચાવશે ભારતની વાયગ્રા

US માર્કેટમાં દેશી વાયગ્રાની ભરમાર હશે! : ભારતની ૭ કંપનીઓને મળી છે મંજૂરી

નવી દિલ્હી, તા.૮:  ભારતની દવા કંપનીઓ માટે અમેરિકામાં વેપારની દ્રષ્ટિએ સારા સમાચાર છે, કેમકે હવે તે ત્યાં વાયગ્રાનું વેચાણ કરી શકશે. ૨૦૨૦માં અમેરિકામાં વાયગ્રાના ભારતીય વર્ઝનની ભરમાર જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે, આ આઈકોનિક વાદળી ગોળી પર હવે ફાઈઝરની પેટન્ટ પુરી થઈ ગઈ છે, જે દુનિયાભરમાં વાયગ્રાનું વેચાણ કરતી રહી છે. ફાઝરની પેટન્ટ પુરી થવાથી અમેરિકાના ફાયદાકારક બજારના દરવાજા ભારતીય કંપનીઓ માટે ખુલી શકે છે.

દુનિયાભારની ૧૫ કંપનીઓને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને વાયગ્રાના ફોર્મ્યુલેશન સિલ્ડેનાફિલ સિટ્રેટનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી દીધી છે. 'ધ પ્રિન્ટ'ના રિપોર્ટ મુજબ, આ ૧૫ કંપનીઓમાંથી ૭ ફર્મ ભારતની છે. જેમાં રૂબીકોન રિસર્ચ, હેટેરો ડ્રગ્સ, મેકિલયોડ્સ ફાર્મા, ડો. રેડ્ડી, અરબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને અજંતા ફાર્માનો સમાવેશ થાય છે.દવાઓની કિંમતને પગલે અમેરિકાના બજારમાં ભારતીય કંપનીઓ આગળ નીકળી જઈ શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં આ દવાની કિંમત ૬૫ ડોલર એટલે કે લગભગ ૪,૦૦૦ રૂપિયા છે. ફાઈઝરે પોતે આ દવાના જેનરિક વર્ઝનને ૨૦૧૭માં લગભગ અડધી કિંમતે લોન્ચ કર્યું હતું. તે પછી પણ ભારતીય કંપનીઓ તરફથી આપવામાં આવી રહેલી દવા ઘણી સસ્તી છે. ભારતીય કંપનીઓ વાયગ્રાના દેશી વર્ઝનને ૩૨ રૂપિયા સુધીની કિંમતે વેચી રહી છે. ત્યારે ભારતીય કંપનીઓને આશા છે કે વાયગ્રાનું તેમનું દેશી વર્ઝન અમેરિકામાં ઘણું વેચાશે.

(10:32 am IST)